શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે હાસ્ય કલાકાર કુણાલ કામરા માટે કેન્દ્રીય સુરક્ષાની માગણી કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બદલ વિરોધ અને કેસ દાખલ થયા બાદ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે શનિવારે હાસ્ય કલાકાર કુણાલ કામરા માટે ખાસ સુરક્ષાની માગણી કરી હતી.
સંજય રાઉતે કહ્યું કે જેમ ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનૌતને શિવસેના સાથેના ‘વિવાદ’ બાદ 2020માં કેન્દ્રની સુરક્ષા આપવામાં આવી હતી, તેમ કામરાને પણ તે જ સુરક્ષા પૂરી પાડવી જોઈએ.
હું એવી પણ માગણી કરું છું કે મહારાષ્ટ્ર સરકારે કુણાલ કામરાને ખાસ સુરક્ષા પૂરી પાડવી જોઈએ. કંગના રનૌતને જ્યારે અમારી સાથે અણબનાવ થયો ત્યારે તેમની સુરક્ષા માટે પણ ખાસ દળ પૂરું પાડવામાં આવ્યું હતું, એમ રાઉતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું.
રાઉતે કહ્યું હતું કે, આ કલાકાર કથિત ધમકીઓથી ડરવા કરતાં મરવાનું પસંદ કરશે. મને ખબર નથી કે કુણાલ કામરાને કોણ ધમકી આપી રહ્યું છે અને શા માટે. કુણાલ કામરા એવી વ્યક્તિ છે જેને હું ઘણા વર્ષોથી ઓળખું છું. તે એવા કલાકાર નથી જે ધમકીઓથી ડરી જશે. તે શરણાગતિ સ્વીકારશે નહીં (ઝુકેગા નહીં). તે નમન કરવા કે ડરવા કરતાં મરવાનું પસંદ કરશે. ધમકીઓ આપનારાઓને ટૂંક સમયમાં તેમનો માર્ગ ચાલુ રાખવામાં મુશ્કેલી પડશે,’ એમ રાઉતે કહ્યું હતું.
સંજય રાઉતે કુણાલ કામરા વિવાદ પર યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવેદનને પણ ટાંક્યું હતું, જેમણે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે વ્યક્તિઓ તેનો ઉપયોગ બીજા કોઈ પર વ્યક્તિગત હુમલા કરવા માટે કરી શકે.
યોગીજીએ જે કહ્યું તેની સાથે હું સંમત છું – વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે લોકો કંઈપણ બોલી શકે. પણ કામરાએ શું કહ્યું? તેમણે કોઈનું નામ લીધું ન હતું. તેમણે મહારાષ્ટ્રમાં બનેલી પરિસ્થિતિ પર વ્યંગનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી હતી. હું ઘણીવાર કુમાર વિશ્ર્વાસ અને સુરેન્દ્ર શર્મા જેવા કવિઓને સાંભળું છું અને તેઓ પણ વ્યંગનો ઉપયોગ કરે છે. કામરાના શબ્દોના જવાબમાં મિલકતની તોડફોડ કરવી વાજબી નથી,’ એમ રાઉતે કહ્યું હતું.
આ પણ વાંચો : એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી: સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ વધુ ત્રણ એફઆઇઆર
બીજી તરફ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે ગુરુવારે કામરાને બજાવવામાં આવેલા સમન્સને યોગ્ય ઠેરવ્યા હતા અને જણાવ્યું હતું કે કાયદાના શાસન માટે આવશ્યક પગલાં લેવા પડે છે. જો રાજ્યના કાયદામાં આવી જરૂર જણાતી હોય તો તે થવું જોઈએ, એમ તેમણે કામરા સામે પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા સમન્સ ઘણું આકરું પગલું હતું એમ પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે જેવી રીતે બંધારણમાં નાગરિકોને કેટલાક અધિકારો આપ્યા છે, પરંતુ તેની સાથે કેટલાક બચાવ પણ આપ્યા છે.