Shivaji Maharaj Statue Collapse: મંત્રાલયની બહાર ઊભા રાખીને જૂતાથી… : સંજય રાઉતે મહારાષ્ટ્રના પ્રધાન વિશે આ શું કહ્યું…

મુંબઈ: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અચાનક ધરાશાયી થઇ તેના કારણે મહારાષ્ટ્રની રાજકીય ધરા ધ્રુજી ઉઠી છે અને જોરદાર રાજકારણ થઇ રહ્યું છે. વિરોધ પક્ષો સરકારને બધી રીતે ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન દિપક કેસરકરે આપેલા નિવેદનના કારણે વિરોધ પક્ષોએ તેમના પર હલ્લાબોલ કર્યો છે.
આ ઘટના દુ:ખદ છે, પરંતુ તેના કારણે કંઇક સારું બનશે, એવા દિપક કેસરકરે આપેલા નિવેદન બાદ તેમના પર ટીકાઓનો વરસાદ વિરોધકો વરસાવી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દિપક કેસરકર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે કેસરકર જેવા લોકોને તાત્કાલિક ધોરણે કેબિનેટમાંથી હાંકી કાઢવા જોઇએ. તેમને કેબિનેટમાં રહેવાનો કોઇ અધિકાર નથી. શરમની વાત છે કે પૈસા છાપવા માટે બીજા કોઇની નહીં, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજની જ પ્રતિમા તૂટી પડે તેવું તે(સરકાર) ઇચ્થતા હતા. જેથી નવી પ્રતિમા ઊભી કરીને પૈસા કમાવી શકાય. આ ઘટનાથી સરકારના બદઇરાદા સ્પષ્ટ જોઇ શકાય છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 35 ફૂટ શિવાજીની પ્રતિમા તૂટી પડી, વિપક્ષના શિંદે સરકાર પર પ્રહાર
ઉલ્લેખનીય છે કે પત્રકારો સાથે વાતચીત કરતા રાઉતે કેસરકરને જૂતાથી મારવાની વાત પણ કહી હતી. કેસરકર પર ક્રોધે ભરાયેલા રાઉતે જણાવ્યું હતું કે દિપક કેસરકર જેવા લોકોને જરાય શરમ નથી. આવું બોલવા બદલ કેસરકરને તો મંત્રાલયની બહાર ઊભા રાખીને તેમને જૂતાથી મારવા જોઇએ.
સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા પર આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જોકે, સોમવારે તે તૂટી પડતા સ્થાનિકો નારાજ થયા છે અને આ મુદ્દે ભરપૂર રાજકારણ થઇ રહ્યું છે