સામનામાં પીએમ મોદી વિરુદ્ધ લખેલા લેખે સંજય રાઉતની મુશ્કેલી વધારી
મુંબઇ: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત આમતો તેમના નિવેદનો માટે અને રોજ કંઇને કંઇ નવા પ્રશ્ર્નો ઉઠાવવા માટે જાણીતા છે. સંજય રાઉત પર શિવસેનાના મુખપત્ર સામનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખવાને કારણે ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા છે. ભાજપના યવતમાલના સંયોજક નીતિન ભુતડાએ સામનાના સંપાદક રાઉત વિરુદ્ધ ઉમરખેડ પેલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ રાઉત વિરુદ્ધ અલગ-અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા તેમજ અન્ય ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 153 (A), 505 (2) અને 124 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સંજય રાઉત સામનાના એડિટર પણ છે. સંજય રાઉતે 10 ડિસેમ્બરના રોજ સામના અખબારમાં પોતાના લેખમાં વડા પ્રધાન પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે વડા પ્રધાન અને તેમની સરકાર ચૂંટણી જીતવા માટે દેશ પર હુમલો કરાવા માટે પાકિસ્તાનનો શોર્ટકટ લઈ શકે છે. અને તે વખતે ફરી પુલવામા નામની કોઇ જગ્યા હશે અને પછી રાષ્ટ્ર ખતરામાં છે એમ કહીવે મોદી દેશ પાસે વોટ માંગશે.
તેમની સામે એફઆઈઆર નોંધાયા બાદ સંજય રાઉતે કહ્યું હતું કે બે દિવસ પહેલા ગૃહ પ્રધાન અમિત શાહે પૂર્વ વડા પ્રધાન પંડિત નેહરુને લઈને નિવેદન આપ્યું હતું, શું તેમની સામે કોઈ કેસ નોંધવામાં આવશે? રાઉતે એમ પણ કહ્યું કે વડાપ્રધાન એક પદ છે વ્યક્તિ નથી.
ઉલ્લેખનીય છે કે શિવસેનાના સાંસદો માત્ર તેમના નિવેદનો દ્વારા જ નહીં પરંતુ તેમની કલમ દ્વારા પણ તેમના વિરોધીઓ પર પ્રહારો કરતા રહે છે. સંજય રાઉત દેશના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ નિવેદનો આપતા હોય છે તેમજ ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડતા નથી. જેના કારણે તે અવારનવાર વિવાદોમાં પણ આવે છે.