સંજય રાઉતે પહલગામ આતંકવાદી હુમલા માટે ભાજપની ‘નફરતની રાજનીતિ’ને જવાબદાર ગણાવી
અમિત શાહને ‘નિષ્ફળ ગૃહપ્રધાન’ ગણાવ્યા અને તેમના રાજીનામાની માગણી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે બુધવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે શાસક ભાજપની ‘નફરતની રાજનીતિ’ જવાબદાર હોવાનો દાવો કર્યો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
પત્રકારો સાથે વાત કરતા રાઉતે અમિત શાહને ‘નિષ્ફળ ગૃહપ્રધાન’ ગણાવ્યા હતા અને તેમના રાજીનામાની માગણી કરી હતી.
કેટલાક પીડિતોના પરિવારજનોએ એવો દાવો કર્યો કે આતંકવાદીઓએ તેમને ગોળી મારતા પહેલા તેમનો ધર્મ પૂછ્યો હતો.
આ વિશે પૂછવામાં આવતા સંજય રાઉતે કહ્યું હતું કે, ‘જો આતંકવાદીઓ લોકોને મારતા પહેલા ધર્મ પૂછે છે, તો ભાજપની નફરતની રાજનીતિ તેના માટે જવાબદાર છે.’ રાજ્યસભાના સભ્યે એવો પણ દાવો કર્યો કે નફરતની રાજનીતિ એક દિવસ ‘બૂમરેંગ’ થશે.
આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લાના ઉરીમાં 2 આતંકી ઠાર કરાયા
‘બીજું કોઈ (તેના માટે જવાબદાર) નથી. આ પશ્ર્ચિમ બંગાળથી જમ્મુ-કાશ્મીર સુધી ફેલાયેલી નફરતનું પરિણામ છે,’ એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
તેઓ (શાસક ગઠબંધનના નેતાઓનો ઉલ્લેખ કરતા) 24 કલાક સરકારો બનાવવા અને ગબડાવવામાં અને વિપક્ષી નેતાઓને જેલમાં નાખવામાં વ્યસ્ત રહે છે. તેઓ લોકોનું રક્ષણ કેવી રીતે કરશે? એમ રાઉતે કહ્યું હતું.
‘અમિત શાહ દેશના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ ગૃહપ્રધાન છે. આખો દેશ તેમનું રાજીનામું માગી રહ્યો છે. તેમને એક દિવસ માટે પણ તે પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: Pahalgam Terror Attack: આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત, હિંદુઓ ટાર્ગેટ પર
રાઉતે દાવો કર્યો કે બિહારની ચૂંટણી નજીક હોવાથી સરકાર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરશે અને આ મુદ્દે રાજકારણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધતા રાઉતે જણાવ્યું હતું કે, નોટબંધી પછી વડા પ્રધાને કહ્યું હતું કે આ કવાયત દેશમાં આતંકવાદનો અંત લાવશે, પરંતુ આતંકવાદી હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે અને તેઓ સંસદમાં (આતંક સંબંધિત ઘટનાઓ વિશે) ‘જૂઠું’ બોલી રહ્યા છે, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
રાઉતે દાવો કર્યો કે તેઓ ઘટનાઓ વિશેની સાચી માહિતી જાહેરમાં બહાર આવવા દેતા નથી.