મહાવિકાસ આઘાડીને ‘પાડવા’ માટે હવે સંજય રાઉતે કર્યો નવો દાવો, દિલ્હીમાં રચાયું કાવતરું

મુંબઈઃ વર્ષ 2019માં કૉંગ્રેસ, એનસીપી-શિવસેનાએ સાથે મળી સરકાર રચી હતી અને વર્ષ 2022માં તે પડી ગઈ. ત્યારબાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આવી અને હાલમાં ભાજપ સાથે ગઠબંધનમાં શિવસેના-એનસીપીના એક એક જૂથ સત્તામાં છે. ત્યારે હવે અચાનક સંજય રાઉતે તે સમયની ઉદ્ધવ સરકારના પડવા મામલે નિવેદન આપ્યું છે.
એક બાજુ પી. ચિદમ્બરમના નિવેદનથી ગરમાવો છે જ. ચિદમ્બરમે ઈન્ડિયા ગઠબંધનના ભવિષ્ય મામલે સવાલો કર્યા છે. ત્યારે સાંસદ સંજય રાઉતે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારને તોડી પાડવા માટે દિલ્હીમાં કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોતાને પણ ધમકીભર્યા ફોન મળ્યા હોવાની વાત તેમણે આજે પત્રકારો સાથે વાત કરતા કહી હતી.
સંજય રાઉતે જણાવ્યું કે હું તેમનું લેવા માગતો નથી, પણ એક વરિષ્ઠ નેતા મારા શુભચિંતક હતા. તેમણે કહ્યું. તમે આ સરકાર બનાવી, અમે તેને પાડી રહ્યા છીએ. દિલ્હીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમે તે સરકારને કોઈપણ સ્થિતિમાં સત્તા પર ટકવા દેશું નહીં.
રાઉતે એમ પણ કહ્યું કે મેં તેમનું પૂછ્યું હતું કે તમે કાયદેસર રીતે બનેલી સરકારને કેવી રીતે ઉથલાવી શકશો ત્યારે તેમણે કહ્યું હતું કે અમે આમ કરી શકીએ છીએ, પરંતુ મને તમારી ચિંતા છે. તમે આ મામલામાં ન પડશો. બાકી તમને નુકસાન થવાની શકયતા છે.
મેં તરત જ આ બધી વિગતો રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને જણાવી. કારણ કે હું રાજ્યસભાનો સભ્ય છું. મેં નાયડુને કહ્યું કે ગઈકાલે રાત્રે મને ફલાણા વ્યક્તિએ ધમકી આપી હતી. અને બે મહિનામાં, તે સાચું પડી ગયું. સંજય રાઉતનું જેલમાં વિતાવેલા દિવસો પરનું પુસ્તક હેવન ઇન હેલ પ્રકાશિત થઈ રહ્યું છે. તે પહેલાં તેમના પુસ્તકમાંના કેટલાક દાવાઓએ રાજ્યમાં રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. આ અંગે રાજકારણ ગરમાયું છે. પરંતુ શાસક જૂથ તરફથી પણ આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આપણ વાંચો : પીએમ મોદીના પોડકાસ્ટ પર Sanjay Raut નો કટાક્ષ, ગણાવ્યા ભગવાન વિષ્ણુનો 13મો અવતાર…