દહાણુમાં આરોપીઓમાં થયેલા ઝઘડામાં બે બાળકના અપહરણનો ગુનો ઉકેલાયો
કલ્યાણ બસ સ્ટૅન્ડથી બે બાળકનું અપહરણ કરનારી સાંગલીની ટોળકી માર્ગમાં બે રિક્ષા બદલીને દહાણુ પહોંચી હતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કલ્યાણથી બે બાળકનાં અપહરણ કર્યાં પછી દહાણુ નજીક પહોંચેલા સાંગલીના આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેને કારણે ગામવાસીઓને શંકા ગઈ હતી અને આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા હતા.
દહાણુની કાસા પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ વિનોદ રામબાપુ ગોસાવી (29), આકાશ બ્રિજેશ ગોસાવી (28), અંજલિ બ્રિજેશ ગોસાવી (28), ચંદા બ્રિજેશ ગોસાવી (55), જયશ્રી અશોક ગોસાવી (25) અને રાહુલ રામઅપ્પા ગોસાવી (27) તરીકે થઈ હતી. પોલીસે આરોપીઓના તાબામાં નવ અને છ વર્ષના બે બાળકને છોડાવ્યા હતા. વધુ તપાસ માટે આરોપીઓને કલ્યાણની મહાત્મા ફુલે ચોક પોલીસના તાબામાં સોંપાયા હતા.
આ પણ વાંચો : કલ્યાણમાં ભૂતપૂર્વ નગરસેવિકાના પતિનું અપહરણ કરી ખંડણી માગનારા પકડાયા
અધિકારીના જણાવ્યા મુજબ નવરાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલઘર જિલ્લામાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું હતું. શુક્રવારની રાતે 9 વાગ્યાની આસપાસ પેટ્રોલિંગ પર હાજર કાસા પોલીસને મેસેજ મળ્યો હતો કે દહાણુના ચારોટી બ્રિજ નીચે કેટલાક લોકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને તેમની સાથે બે નાના બાળક પણ છે. માહિતીને આધારે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
આરોપીઓ વચ્ચે બાળકોને મુદ્દે ઝઘડો થયો હતો અને એક ગામવાસીએ તેમની વાત સાંભળી લીધી હતી. પરિણામે ગામના અન્ય રહેવાસીઓએ શંકાને આધારે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઝઘડો શાંત પાડી બાળકો વિશે પૂછતાં મહિલા આરોપીઓએ ઉડાઉ જવાબ આપ્યા હતા. પોલીસે બન્ને બાળકને વિશ્ર્વાસમાં લઈ પૂછપરછ કરતાં તે કલ્યાણના રહેવાસી હોવાનું જણાયું હતું. કાસા પોલીસે કલ્યાણના મહાત્મા ફુલે પોલીસમાં તપાસ કરતાં ગુરુવારે બન્ને બાળકનાં અપહરણ થયાનું જાણવા મળ્યું હતું.
મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જ્ઞાનેશ્ર્વર સાબળેએ જણાવ્યું હતું કે કલ્યાણ બસ સ્ટૅન્ડ ખાતેથી નાસ્તો અપાવવાની લાલચે આરોપી બન્ને બાળકને તેમની સાથે લઈ ગયા હતા. બાળક ગુમ હોવાની માહિતી મળતાં જ અમારી ટીમે બસ સ્ટૅન્ડ પાસે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. અમારી ટીમ આરોપીઓનો પીછો કરતી બોરપાડા સુધી પહોંચી હતી.
પોલીસની ટીમ પાછળ પડી હોવાની જાણકારી મળ્યા પછી આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવાય છે. આરોપીઓ કલ્યાણથી દહાણુ બબ્બે રિક્ષા બદલીને ગયા હતા, જેથી પોલીસ તેમના સુધી પહોંચી ન શકે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.