સમૃદ્ધિ મહામાર્ગ માટે ‘વધેલા ટેન્ડરો’ની તપાસ હાથ ધરાઈ
રોહિત પવારે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિને ફરિયાદ કરી હતી કે સમૃદ્ધિ મહામાર્ગમાં હજારો કરોડ રૂપિયાની કથિત ઉચાપત કરાઈ છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (પીએસી)એ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ) ને સમૃદ્ધિ મહામાર્ગના બાંધકામમાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી) દ્વારા ભંડોળના કથિત દુરુપયોગની ફરિયાદ પર ‘જરૂરી કાર્યવાહી’ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એમએસઆરડીસીનું નેતૃત્વ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કરે છે.
9 જૂને મહારાષ્ટ્ર વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (પીએસી)ના અધ્યક્ષ વિજય વડેટ્ટીવારના પત્ર અને વિપક્ષ એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારની ફરિયાદ પર કાર્યવાહી કરતા એકાઉન્ટન્ટ જનરલને કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આપણ વાંચો: મુંબઈ કે થાણેથી સમૃદ્ધિ મહામાર્ગ કેવી રીતે પહોંચવું?, જાણી લો A2Z વિગતો
પીએસીના કાર્યાલયને મહારાષ્ટ્ર સરકારના 38 વિભાગોના ખર્ચ ઓડિટની જવાબદારી સોંપવામાં આવી છે, અને તે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સીએજી) ને રિપોર્ટ કરે છે. જાહેર બાંધકામ વિભાગે પણ 30 જૂને એમએસઆરડીસી પાસેથી આવા જ આરોપો પર જવાબ માગ્યો હતો.
28 મેના પત્રમાં, પવારે રાજ્ય વિધાનસભામાં પીએસીને નાગપુર મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવેમાં કથિત રીતે પૈસાની ઉચાપતની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક્સપ્રેસવેનું કામ 16 તબક્કામાં કરવામાં આવ્યું હતું, જેમાં હજારો કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ટેન્ડરમાં આંકડા પણ વધારીને દર્શાવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: સમૃદ્ધિ મહામાર્ગ માટે કેટલી સામગ્રીનો ઉપયોગ? અજિત પવારે આપ્યો હિસાબ
ફરિયાદ મુજબ, સમૃદ્ધિ હાઇવેનો ફેઝ નંબર 11 મૌજે ધોત્રેથી અહિલ્યાનગરના મૌજે દર્લે સુધી છે. આ માટેનું ટેન્ડર 2018માં બહાર પાડવામાં આવ્યું હતું. ‘કુલ 29 કિમીના અંતર માટેનું આ ટેન્ડર ગાયત્રી પ્રોજેક્ટને 1,900 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યું હતું. જોકે, ગાયત્રી પ્રોજેક્ટે 2021માં ફેઝ નંબર 11 નું ઉપરોક્ત કામ પૂર્ણ કરવામાં અસમર્થતા દર્શાવી હોવાથી, તે હુઝૂર મલ્ટી પ્રોજેક્ટ નામની કંપનીને આપવામાં આવ્યું હતું. તેને રૂ. 2,700 કરોડમાં 800 કરોડ રૂપિયાના વધારા સાથે આપવામાં આવ્યું હતું,’ એમ તેમાં જણાવાયું છે.
પવારના પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે હુઝૂર મલ્ટી પ્રોજેક્ટ પાસે કુલ 1.52 કરોડ શેર છે, જેમાંથી 23 લાખ શેર એમએસઆરડીસી સાથે જોડાયેલા અધિકારીના સંબંધી પાસે છે. ‘તેથી જ કંપનીને ઊંચા દરે ટેન્ડર આપવામાં આવ્યું હતું,’ એમ તેમાં જણાવાયું છે.
આપણ વાંચો: 2014માં જોયેલું સ્વપ્ન આજે પૂર્ણ થયું, સમૃદ્ધિ મહામાર્ગ સમૃદ્ધિ કોરિડોર છે: દેવેન્દ્ર ફડણવીસ
પવારે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે સમૃદ્ધિ હાઇવેના 179 કિમી લાંબા જાલના-નાંદેડ કામ માટે ટેન્ડરના આંકડા વધારીને આપવામાં આવ્યા હતા. ‘શરૂઆતમાં, આ ટેન્ડરમાં રકમ 11,442 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પરંતુ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે ખરેખર 15,554 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યું હતું.
ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કિંમત ઘટવાની અપેક્ષા હતી, પરંતુ તેમાં 4,442 કરોડ રૂપિયાની વધારે કિંમતે આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય તકેદારી ટીમે પણ ઉપરોક્ત વધેલા દરે આપવામાં આવેલા ટેન્ડરની નોંધ લીધી હતી અને હાલ પૂરતું પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી,’ એમ ફરિયાદમાં જણાવાયું છે.