મહારાષ્ટ્રની જનતાને ચૂંટણીમાં મળશે નવો પર્યાય? ત્રીજા મોરચાની તૈયારીઓ શરૂ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ મહાયુતિ અને વિરોધ પક્ષ મહાવિકાસ આઘાડી વચ્ચે જામશે તે નક્કી છે ત્યારે બહુજન વિકાસ આઘાડી(બવિઆ) પ્રકાશ આંબેડકર બાદ હવે છત્રપતિ સંભાજીરાજેએ ત્રીજો મોરચો બની શકે તેવો સંકેત કર્યો છે.
મુંબઈમાં સંભાજીરાજે અને રાજરત્ન આંબેડકર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો બની શકે તેવો સંકેત આપતા જણાવ્યું હતું કે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી એ એક જ સિક્કાની બે બાજુઓ છે. સામાન્ય નાગરિકોને તેમનો હક્ક મળે એ માટે અમે કામ કરીશું. લોકસભામાં લોકોએ જે જનાદેશ આપ્યો એ જ જનાદેશ તે વિધાનસભાની ચૂંટણીમાં આપશે જો કોઇને એમ લાગતું હોય તો તે ખોટું છે.
સંભાજીરાજે અને રાજરત્ન આંબેડકરે આપેલા નિવેદનને પગલે મહારાષ્ટ્રની જનતાને મહાવિકાસ આઘાડી અને મહાયુતિ સિવાય હવે ત્રીજો પર્યાય મળે તેવી શક્યતા જણાઇ રહી છે. આ પૂર્વે પ્રકાશ આંબેડકર પણ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની વાત કહી ચૂક્યા છે અને હવે સંભાજીરાજે અને રાજરત્ન આંબેડકરે પણ ચૂંટણીમાં અલગથી ઝંપલાવવાનો સંકેત આપતા ખાસ કરીને ઓબીસી અને દલિતોના મતોનું વિભાજન થઇ શકે તેવી શક્યતા જણાઇ રહી છે.
પ્રકાશ આંબેડકર અને રાજરત્ન આંબેડકર બંને ઓબીસી અને દલિત સમાજનું સારું એવું સમર્થન જણાવે છે અને જો તે મહાવિકાસ આઘાડી અને મહાયુતિ સાથે જોડાવાને બદલે સ્વતંત્ર રીતે ચૂંટણી લડે તો દલિતો અને ઓબીસીના મતોનું વિભાજન થઇ શકે. જોકે, આ મતોના વિભાજનની અસર કોને થશે તે જોવું રહ્યું.
આગામી પંદર દિવસમાં લેવાશે નિર્ણય
પત્રકાર પરિષદ દરમિયાન સંભાજીરાજેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર આજે ખરેખર સુસંસ્કૃત રહ્યું છે કે શું એ વિશે આત્મચિંતન કરવાનો સમય આવી ગયો છે. 75 વર્ષમાં ફક્ત દાવાઓ-કાવાદાવાઓ જ થયા છે. એમાં મહારાષ્ટ્રનું ઘડતર કઇ રીતે થઇ શકે? આવતા 10-15 દિવસમાં જનતાના મનમાં શું છે તે જાણ્યા બાદ અમે તેમને નવો પર્યાય આપીશું.
જરાંગે, રાજુ શેટ્ટીને સાથે લઇને ઘડાશે નવો મોરચો?
મનોજ જરાંગે સાથે પણ સકારાત્મક વાતચીત ચાલી રહી હોવાનું સંભાજીરાજેએ પત્રકાર પરિષદમાં કહેતા નારાજ વિધાનસભ્ય બચ્ચુ કડુ,મરાઠા અનામત માટે આંદોલન ચલાવી રહેલા મનોજ જરાંગે પાટીલ તેમ જ સ્વાભિમાની શેતકરી સંઘટનાના રાજુ શેટ્ટી જેવા આગેવાનોને સાથે લઇને રાજરત્ન આંબેડકર અને સંભાજીરાજે મહારાષ્ટ્રમાં ત્રીજો મોરચો ખોલે અને વિધાનસભાની ચૂંટણીમાં ઝંલપાલે તેવી શક્યતા છે. જોકે ત્રીજો મોરચો ઘડાય તેની મહાવિકાસ આઘાડી અને મહાયુતિને મળતા મત પર કેટલી અને કેવી અસર થશે તે જોવું રહ્યું.