ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટનો વિવાદ: યુએસ ગયેલા સમય રાઈનાને પાંચ દિવસમાં હાજર થવા ફરમાન
મીડિયાથી ડરી અલાહાબાદિયા પોલીસ સ્ટેશને ન પહોંચ્યો: આજે હાજર થવું પડશે
![Portrait of Ranveer Allahbadia showcasing his lavish BeerBiceps lifestyle, luxury cars, and Rs60 crore net worth details.](/wp-content/uploads/2025/02/ranveer-allahbadia-net-worth.webp)
મુંબઈ: કોમેડી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં માતા-પિતાને ઉદ્દેશને કરાયેલા બીભત્સ પ્રશ્ર્નને પગલે થયેલા વિવાદ બાદ આ પ્રકરણની તપાસ કરનારી મહારાષ્ટ્ર સાયબર પોલીસ અને ખાર પોલીસે યુએસ ગયેલા સમય રાઈનાને ચાર-પાંચ દિવસમાં પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન કર્યું હતું. બીજી બાજુ, શોમાં અશ્લીલ ટિપ્પણી કરનારા રણવીર અલાહાબાદિયાએ મીડિયાના ડરે પોલીસ સ્ટેશને આવવાનું ટાળતાં પોલીસે શુક્રવારે હાજર રહેવાની સૂચના આપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ રાઈના અત્યારે યુએસમાં છે અને પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થવા તેણે વધુ સમય માગ્યો હતો. રાઈનાના શો ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટમાં અશ્લીલ ટિપ્પણીને કારણે વિવાદ વકર્યો હતો. ખાર પોલીસે 17 ફેબ્રુઆરી પહેલાં તેને નિવેદન નોંધાવવા પોલીસ સ્ટેશને હાજર થવાનું કહ્યું હતું. આ જ પ્રકરણે ગુનો નોંધી તપાસ કરી રહેલી સાયબર પોલીસે પણ પૂછપરછ માટે 18 ફેબ્રુઆરીએ હાજર રહેવા રાઈનાને સમન્સ મોકલાવ્યા હતા.
આ પણ વાંચો: અલાહાબાદિયાની ટિપ્પણીનો વિવાદ ,તન્મય ભટ્ટ, ઉર્ફી જાવેદ અને દીપક કલાલને સાયબર પોલીસના સમન્સ
વડીલોને ઉદ્દેશીને બીભત્સ સવાલ કરનારો અલાહાબાદિયા ગુરુવારે ખાર પોલીસ સમક્ષ હાજર થવાનો હતો, પરંતુ મોડી રાત સુધી તે આવ્યો નહોતો. આ માટે તેણે મીડિયાના ડરથી ન આવ્યો હોવાનું કારણ આપ્યું હતું. જોકે આ રીતે તે પૂછપરછ ટાળી શકે નહીં, એવી સૂચના આપી પોલીસે શુક્રવારે તેને બોલાવ્યો છે.
દરમિયાન ગુવાહાટીમાં અલાહાબાદિયા અને અન્ય ચાર વિરુદ્ધ નોંધાયેલા કેસની તપાસ માટે મુંબઈ આવેલી આસામ પોલીસ ગુરુવારે મહારાષ્ટ્ર સાયબર સેલના અધિકારીઓને મળી હતી. તેના આગલા દિવસે આ ટીમ ખાર પોલીસ સ્ટેશને પણ ગઈ હતી.
શોમાં કરેલી ટિપ્પણીને કારણે વિવાદમાં ઘેરાયેલા અલાહાબાદિયાને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર અનફોલો કર્યો હતો.