સમાજવાદી પાર્ટીના રઇસ શેખનો યુ-ટર્ન: રાજીનામું પાછું ખેંચ્યું
મુંબઈ: સમાજવાદી પાર્ટી(એસપી)ના ભિવંડી ઇસ્ટના વિધાનસભ્ય રઇસ શેખે મહારાષ્ટ્રના એસપી અધ્યક્ષ અબુ આસીમ આઝમીને પોતાનું રાજીનામુ આપ્યું હતું. જોકે, હવે આ રાજીનામુ પાછું ખેંચી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોતાના સમર્થકોએ આપેલી સલાહને પગલે પોતાનું રાજીનામુ પાછું ખેંચ્યું હોવાનું શેખે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શનિવારે રઇસ શેખે પોતે મહારાષ્ટ્ર વિધાનસભાના વિધાનસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હોવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના એસપી એકમ દ્વારા પોતે વ્યક્ત કરેલી સમસ્યાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવતું હોવાનું કારણ આગળ ધરીને તેમણે મહારાષ્ટ્ર એકમના એસપી અધ્યક્ષ અબુ આઝમીને પોતાનું રાજીનામુ મોકલાવ્યું હતું. જોકે, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને તેમણે રાજીનામુ મોકલાવ્યું કે નહીં એ બાબતે તેમણે કોઇ ફોડ પાડ્યો નહોતો.
જ્યારે રવિવારે તેમણે પોતાનું રાજીનામુ પાછું ખેંચી લીધુ હોવાની જાહેરાત કરી હતી. તેમણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મેં મારું રાજીનામુ પાછું લઇ લીધુ છે. પક્ષના કાર્યકર્તાઓએ મને વિનંતી કરી હતી અને આગ્રહ કર્યો હતો કે હું મારું રાજીનામુ પાછું લઇ લઉ.
શનિવારે શેખના રાજીનામાની ખબર વહેતી થતા જ ભિવંડીમાં તેમના અનેક સમર્થકો ભેગા થયા હતા અને શેખે પણ તેમને સંબોધ્યા હતા. એ દરમિયાન શેખે કહ્યું હતું કે પક્ષને ભાગલાવાદી તત્ત્વોથી બચાવવાની જરૂર છે અને અમુક નેતાઓ પોતાના સ્વાર્થ માટે પક્ષમાં ફૂટ પડાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભિવંડી ઇસ્ટ એ લઘુમતિ સમુદાયની બહુમતિ ધરાવતો વિસ્તાર છે અને રઇસ શેખ ત્યાં પોતાનું પ્રભુત્ત્વ ધરાવે છે. તેમના રાજીનામાની જાહેરાત થતા જ તેમના સમર્થકો સેંકડોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.