ગુજરાતની સમા અને કાશ્મીરનો આસિફ યોજના બનાવી રહ્યા છે
પોલીસ ક્ધટ્રોલ રૂમને આવ્યો વધુ એક ધમકીભર્યો કૉલ: તપાસ શરૂ
મુંબઈ: મુંબઈ પોલીસને મંગળવારે રાતે ફરી એકવાર ધમકીભર્યો કૉલ આવ્યો હતો, જેમાં મુંબઈમાં ટૂંક સમયમાં મોટી ઘટના બનવાની છે એવું ફોન કરનારી વ્યક્તિએ જણાવ્યું હતું. ધમકીભર્યા કૉલને ગંભીરતાથી લઇ પોલીસે તપાસ આદરી હોઇ કૉલ કરનારે પોતાની ઓળખ શોએબ તરીકે આપી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. સાઉથ ક્ધટ્રોલ રૂમના લેન્ડલાઇન નંબર પર મંગળવારે રાતના શખસે કૉલ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના જમાલપુરમાં રહેતી સમા કાશ્મીરમાં રહેતા આસિફના સંપર્કમાં છે અને તેઓ મુંબઈમાં મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે.
કૉલરે દાવો કર્યો હતો કે એટીએસના અધિકારીઓ તેને ઓળખે છે. તેણે સમા અને આસિફના ફોન નંબર પર આપ્યા હતા અને પોતે મૈસૂરથી કૉલ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મુંબઈ પોલીસે આ કૉલને ગંભીરતાથી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસને સોમવારે ધમકીભર્યો કૉલ આવ્યો હતો, જેમાં યુવકે દાવો કર્યો હતો કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરીતોએ તેને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ફૂંકી મારવાનું કહ્યું હતું. યુવકે એમ પણ કહ્યું હતું કે જો તેને તબીબી સારવાર આપવામાં ન આવે તો તે જે. જે. હોસ્પિટલમાં પણ બોમ્બ પ્લાન્ટ કરી દેશે. પોલીસે કૉલ કરનારા યુવકની બાદમાં ધરપકડ કરી હતી, જેની ઓળખ કામરાન ખાન તરીકે થઇ હતી.