સલમાન ખાનને ધમકી આપનારો ઝડપાયોઃ મુંબઈ પોલીસે ક્યાં નોંધ્યો કેસ, જાણો સંપૂર્ણ વિગત…
મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાન અને રાજ્યના ભૂતપૂર્વ નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારા યુવકને ક્રાઇમ બ્રાન્ચે નોઇડાથી સોમવારે પકડી પાડ્યા બાદ મંગળવારે સલમાન ખાનને ફરી ધમકી આપતો મેસેજ ટ્રાફિક પોલીસને મળ્યો હતો. મેસેજ મોકલનારે બે કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરીને સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વરલી પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો અને ધમકીભર્યો મેસેજ મોકલનારા બાંદ્રાના રહેવાસીની બાદમાં ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : Salman Khanની હત્યાનો પ્લાન બનાવી રહ્યો હતો અને પોલીસ….
મુંબઈ ટ્રાફિક પોલીસના ક્ધટ્રોલ રૂમને મંગળવારે અજાણી વ્યક્તિ દ્વારા મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં સલમાન ખાન પાસે ખંડણી માગવામાં આવી હતી અને રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પ્રકરણે વરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી હતી અને બુધવારે આઝમ મોહંમદ મુસ્તફા નામના શખસની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં મુંબઈ ટ્રાફિક પોલીસના વ્હૉટ્સઍપ હેલ્પલાઇન નંબર પર સલમાન ખાનને ધમકી આપતો મેસેજ મળ્યો હતો, જેમાં પાંચ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે જમશેદપુરથી એક જણની ધરપકડ કરી હતી.
દરમિયાન સલમાન ખાન અને બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને ધમકી આપવા બદલ ઉત્તર પ્રદેશના નોઇડાથી આરોપી મોહંમદ તૈયબ ઉર્ફે ગુલફાનની ધરપકડ કરાઇ હતી.
આ પણ વાંચો : ગધેડાને કારણે મુસીબતમાં મૂકાશે Bigg Boss અને Salman Khan?
ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇની ગેન્ગ તરફથી પણ અગાઉ સલમાન ખાનને ધમકીઓ મળી હતી અને સલમાનના બાંદ્રાના નિવાસસ્થાન બહાર એપ્રિલ, 2024માં ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. થોડા મહિના અગાઉ સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ લોરેન્સ બિશ્ર્નોઇ, તેના ભાઇ અનમોલ સહિત 17 સામે નવી મુંબઈ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આમાંથી અમુક આરોપીની ધરપકડ કરી હતી.