સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતો વીડિયો પોસ્ટ કરનારો રાજસ્થાનમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની કથિત ધમકી આપતો વીડિયો યુટ્યૂબ ચૅનલ પર પોસ્ટ કરનારા યુવાનને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાં ઝડપી પાડ્યો હતો. સલમાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસની તપાસ ચાલી રહી છે ત્યારે હવે પોલીસે વીડિયો પ્રકરણે વધુ એક ગુનો નોંધ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનના બુંદી જિલ્લામાં રહેતા બનવારીલાલ લાતુરલાલ ગુજર (25)ને શનિવારે પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીને રવિવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અભિનેતા સલમાન ખાન પર હુમલાનું કાવતરું: બિશ્નોઈ ગેન્ગના વધુ એક સાગરીતની હરિયાણાથી ધરપકડ
પોલીસ ફરિયાદ અનુસાર ગુજરે તેની યુટ્યૂબ ચૅનલ પર એક ધમકીભર્યો વીડિયો અપલૉડ કર્યો હતો. આ વીડિયો તેણે રાજસ્થાનમાં હાઈવે પર બનાવ્યો હતો.
વીડિયોમાં આરોપીએ કહ્યું હતું કે સલમાન ખાને માફી માગી ન હોવાથી હું તેની હત્યા કરવા જઈ રહ્યો છું. લૉરેન્સ બિશ્ર્નોઈ, ગોલ્ડી બ્રાર અને ગૅન્ગના અન્ય સભ્યો મારી સાથે છે.
આ પણ વાંચો: સલમાન ખાનની હત્યાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ, આવી હતી લોરેન્સ બિશ્નોઈની યોજના
વીડિયોમાં અપાયેલી ધમકીને ગંભીરતાથી લઈ સાયબર પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપીને તાબામાં લેવા માટે તાત્કાલિક પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી બુંદી જિલ્લાના ફઝલપુરા સ્થિત બોર્ડા ગામથી ગુજરને પકડી પાડવામાં આવ્યો હતો.
આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. આરોપીની ભારતીય દંડ સંહિતાની કલમ 506(2) સહિત અન્ય સુસંગત કલમો તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલની વહેલી સવારે બાન્દ્રાના ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર બાઈકસવાર બે શૂટરે ગોળીબાર કર્યો હતો. આ કેસમાં પોલીસે બન્ને શૂટર સહિત છ જણની ધરપકડ કરી હતી, જેમાંથી એક આરોપીએ પહેલી મેના રોજ પોલીસ લૉકઅપમાં આત્મહત્યા કરી હતી.
બીજી બાજુ, સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલાઓમાં બિશ્ર્નોઈ અને ગોલ્ડી બ્રાર ગૅન્ગના સભ્યનો સમાવેશ થાય છે.