આમચી મુંબઈ

સલમાનના ઘરમાં ઘૂસવાની બબ્બે ઘટના પછી…

બિલ્ડિંગમાં અવરજવર કરનારાઓ પર નિયંત્રણ રાખવાની પોલીસની યોજના

મુંબઈ: વાય-પ્લસ સિક્યોરિટી છતાં બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરનારાં યુવક-યુવતીમાંથી યુવતી છેક અભિનેતાના ઘર સુધી પહોંચી જતાં આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે. સલમાન રહે છે એ બાન્દ્રાના ગૅલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષાવ્યવસ્થામાં સુધારો કરી બિલ્ડિંગમાં અવરજવર કરનારાઓ પર નિયંત્રણ રાખવાની યોજના પોલીસ બનાવી રહી છે.

સલમાન ખાનને લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગ દ્વારા જાનથી મારવાની ધમકીઓ અનેક વાર મળી ચૂકી છે. ગયા વર્ષના એપ્રિલમાં તો બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્યોએ સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર પણ કર્યો હતો. પોલીસે પકડી પાડેલા ગૅન્ગસ્ટરોએ સમાનની ફિલ્મનાં શૂટિંગનાં સ્થળો અને ફાર્મ હાઉસની રૅકી કર્યાની કબૂલાત કરી હતી. જાનના જોખમને ધ્યાનમાં રાખી અભિનેતાને પોલીસ દ્વારા વાય-પ્લસ સિક્યોરિટી પૂરી પાડવામાં આવી છે.

Free Press Journal

કડક સિક્યોરિટી છતાં સલમાનના ઘરમાં ઘૂસવાની બે ઘટના તાજેતરમાં બની હતી. મંગળવારની સવારે છત્તીસગઢના જિતેન્દ્રકુમાર સિંહ (23) બિલ્ડિંગ નજીક આંટા મારતો હતો ત્યારે પોલીસે તેને સમજાવીને પાછો મોકલી આપ્યો હતો. જોકે સાંજે તે એક કારની આડશે બિલ્ડિંગમાં પ્રવેશતો ઝડપાઈ ગયો હતો. ત્યાર બાદ બુધવારની મધરાત બાદ ખારમાં રહેતી મોડેલ ઈશા છાબરિયા બિલ્ડિંગમાં પ્રવેશી હતી.

જુનિયર આર્ટિસ્ટ ઈશાએ સલમાન ખાને મળવા બોલાવી હોવાનો દાવો કર્યો હતો. જોકે તે સમયે સલમાન ફ્લૅટમાં નહોતો. બાદમાં પોલીસે પૂછપરછ શરૂ કરતાં યુવતીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને તાબામાં લીધી હતી. આ યુવતી સલમાનના ઘર સુધી પહોંચી ગઈ હોવાની ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી હતી.

પોલીસ બિલ્ડિંગમાં આવનારા અને બિલ્ડિંગ બહાર જનારા લોકોના નિયંત્રણની યોજના બનાવી રહી છે. બિલ્ડિંગની સુરક્ષાવ્યવસ્થામાં સુધારો લાવવાનું પોલીસ વિચારી રહી છે. પોલીસનું કહેવું છે કે એ ખાનગી બિલ્ડિંગ છે. પરિણામે બિલ્ડિંગમાં અવરજવર કરનારા દરેકની તપાસ કરવી પડકારજનક છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં આવનારી નવી વ્યક્તિની ઓળખની ખાતરી કર્યા પછી જ તેને બિલ્ડિંગમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. એ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખી બીજા કયા ફેરફાર શક્ય છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે.

આપણ વાંચો : કૌન બનેગા કરોડપતિમાં Amitabh Bachchanને રિપ્લેસ કરશે Salman Khan?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button