બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી
મુંબઇઃ મુંબઈમાં એનસીપી અજિત પવાર જૂથના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય બાબા સિદ્દીકીના મૃત્યુથી સમગ્ર બોલિવૂડ આઘાતમાં છે. બાબા સિદ્દીકી હવે આ દુનિયામાં નથી એવા સમાચાર પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. રાજનીતિથી લઈને બોલિવૂડ સુધી પ્રભાવ ધરાવતા બાબા સિદ્દીકીના નિધનને કારણે સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. આ હત્યાના તાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે, પરંતુ બાબા સિદ્દીકીના મોતે અનેક સવાલો ઉભા કર્યા છે.
બાબા સિદ્દીકીના શૂટરોએ પોલીસ તપાસમાં તેઓ લોરેન્સ બિશ્નોઇ ગેગંના હોવાનું જણાવ્યું છે. પોલીસનું માનવું છે કે ભલે મર્ડર બાબા સિદ્દીકીનું થયું, પણ લોરેન્સ ગેંગનો સ્પષ્ટ મેસેજ સલમાન માટે હોઇ શકે છે. આ ઘટના બાદ ભાઈજાન પણ કડક સુરક્ષા વચ્ચે જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેટ પર સામે આવેલા વીડિયોમાં સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે જોવા મળી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો ખબર છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
પોલીસે સલમાન ખાનને ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવાની સૂચના આપી છે. ભાઇજાને બાબા સિદ્દીકીની હત્યાની જાણકારી મળી ત્યારે તેઓ તેમનું શૂટિંગ અટકાવી તેમની હાલત જાણવા હૉસ્પિટલ જવા લાગ્યા હતા. એ સમયે પણ પોલીસે સુરક્ષાના કારણોસર તેમને હૉસ્પિટલમાં નહીં આવવાની સૂચના આપી હતી, જોકે, સલ્લુભાઇએ તેને ગણકારી નહોતી.
બાબા સિદ્દીકીની હત્યાના સમાચાર આવતા જ સલમાનખાને બીગ બોસ 18 નું શૂટિંગ અટકાવી દીધું હતું. બાબા સિદ્દીકી સલમાન ખાનના ખાસ મિત્ર હતા અને તેમની હત્યાથી સલમાન ખાનને ઘણો આઘાત લાગ્યો છે. આપણે જો હોસ્પિટલમાં પહોંચેલા સેલિબ્રિટીઝની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુંન્દ્રા સાથે હોસ્પિટલમાં પહોંચી હતી તે સિવાય વીર પહાડિયા, સંજય દત્તની બહેન પ્રિયા દત્ત, સંજય દત, સોનાક્ષી સિંહાના પતિ ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રતનસિંહ સહિત ઘણા સેલિબ્રિટીઝ હોસ્પિટલ પહોંચ્યા હતા.
પોલીસ દાવો કરી રહી છે કે બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યા કરીને મુંબઈના સ્ટાર્સને ધમકી આપી છે. હકીકતમાં, આ બિશ્નોઈ ગેંગે એપ્રિલ 2024માં મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર જોરદાર ફાયરિંગ કર્યું હતું. જોકે, આ હુમલો અજાણ્યા મોટરસાઇકલ સવારોએ કર્યો હતો, પણ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી હતી. આ ઘટના બાદ મહારાષ્ટ્રના સીએમએ ખુદ સલમાન ખાન સાથે વાત કરી હતી અને તેમને સુરક્ષાની ખાતરી આપી હતી. અમેરિકામાં બેઠેલા અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનેતાના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી. આ હુમલા બાદ સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે એક ઇન્ટરવ્યુમાં લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. ગેંગસ્ટરે કહ્યું હતું કે સલમાન ખાને અમારા વિસ્તારમાં એક હરણને માર્યું હતું. તેણે બિકાનેરમાં અમારા મંદિરમાં જઈને આ માટે માફી માંગવી પડશે. જો તે માફી નહીં માંગે તો હું તેનો બદલો લઇશ અને તેને પતાવી નાખીશ.