સલમાન ખાન ગોળીબાર કેસ: શૂટરો સુધી પિસ્તોલ અને કારતૂસો પહોંચાડનારા બે પંજાબમાં ઝડપાયા

મુંબઈ: અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરનારા બન્ને શૂટરો સુધી પિસ્તોલ અને કારતૂસો પહોંચાડનારા બે શકમંદને પંજાબમાં પકડી પાડવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પંજાબથી પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ સુભાષ ચાંદેર (37) અને અનુજ થાપન (32) તરીકે થઈ હતી. બન્નેને મુંબઈ લાવવામાં આવ્યા પછી શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ તપાસમાં જણાયું હતું કે બન્ને શૂટર સાગર પાલ અને વિકી ગુપ્તા નવી મુંબઈના પનવેલ ખાતે ભાડેની રૂમમાં રહ્યા હતા. 15 માર્ચે ચાંદેર અને થાપન શૂટરોને મળવા પનવેલ આવ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી ચાંદેર અને થાપન શૂટરો સાથે રહ્યા હતા અને ચર્ચા કરી હતી. પછી બે પિસ્તોલ અને 40 કારતૂસ શૂટરોને આપી બન્ને ત્યાંથી રવાના થઈ ગયા હતા. કહેવાય છે કે પિસ્તોલ બરાબર ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવા બન્ને આરોપીએ બે રાઉન્ડ હવામાં ફાયર સુધ્ધાં કર્યા હતા.