Firing on Salman khan’s house: કોણ છે માસ્ટર માઈન્ડ રોહિત ગોદારા અને શૂટર કાલુ? લોરેન્સ બિશ્નોઈના ઇશારે સાથે પહેલા પણ આચર્યા છે ગુના
ગઈ કાલે રવિવારે સવારે લગભગ 4.55 વાગ્યે મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટમાં આવેલા બોલિવૂડ સ્ટાર સલમાન ખાન(Salman Khan)ના ઘર પર ફાયરિંગની કરવામાં આવ્યું હતું. બે અજાણ્યા બાઇકસવારોએ ગેલેક્સી અપાર્ટમેન્ટ(Galaxy Apartment)ની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ(Firing) કર્યું હતું, જો કે આ હુમલામાં કોઈને નુકસાન થયું ન હતું. લોરેન્સ બિશ્નોઈ(Lawrence Bishnoi)ની ગેંગે આ ફાયરીંગની જવાબદારી સ્વીકારી છે.
ફાયરિંગની ઘટના બાદ સલમાનના પરિવારજનો અને ચાહકો ચિંતામાં છે. આટલા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છતાં પણ આ ઘટના બનતા અનેક સવાલો ઉભા થયા છે, ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલાની તપાસ માટે 15 ટીમો બનાવવામાં આવી છે. આ હુમલામાં પાછળ રોહિત ગોદારા(Rohit Godara) નામના શખ્સનો મુખ્ય હાથ હોવું જાણવા મળ્યું છે.
એક અખબારી અહેવાલ મુજબ રોહિત ગોદારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સાથીદાર છે. રોહિત યુકેમાં રહીને ગેંગના તમામ ઓપરેશનને હેન્ડલ કરે છે. NIA લાંબા સમયથી તેને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલ મુજબ રોહિત મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે અને તે હત્યા અને ખંડણીના 35થી વધુ કેસમાં આરોપી છે. તે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને દુબઈ ભાગી ગયો હતો, ત્યાર બાદથી તે યુકેમાં રહે છે.
અહેવાલ મુજબ જ્યારે NIAએ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે તેનું એક ‘બિઝનેસ મોડલ’ છે. અલગ-અલગ રાજ્યોમાં તેનું મોડલ અલગ-અલગ લોકો સંભાળે છે. તેમાંથી, રોહિત રાજસ્થાનમાં તેનું કામ જુએ છે. રોહિત ગોદારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા અને મે 2022 માં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યામાં પણ કથિત રીતે સામેલ હતો.
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે હુમલાખોરોની તસવીરો પણ પોલીસે જાહેર કરી છે. એક હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે, જયારે એક લાલ ટી-શર્ટ પહેરેલો છે. 29 ફેબ્રુઆરી, 2024ના એક સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળી, જે કથિત રીતે હરિયાણાના રોહતકના એક ઢાબાની છે. જેમાં દેખાતા શખ્સનો ચહેરો મુજબ મુંબઈના CCTV ફૂટેજમાં દેખાતા શખ્સના ચહેરા સાથે મેચ થઈ રહ્યો છે. આ શખ્સ વિશાલ રાહુલ ઉર્ફે કાલુ છે જેણે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. વિશાલ રોહિત ગોદારાનો શૂટર છે..
વિશાલ ઉર્ફે કાલુ ગુરુગ્રામનો રહેવાસી છે. તેણે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેની સામે ગુરુગ્રામ તેમજ દિલ્હીમાં ફાયરિંગ અને બાઇક ચોરી સહીત 5 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે.
તાજેતરમાં જ વિશાલે લોરેન્સ બિશ્નોઈના કહેવા પર હરિયાણાના રોહતકમાં એક બુકીની હત્યા કરી હતી. આ ઘટના સમયના સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થયેલી ઘટનામાં તે ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો.
સલમાન ખાનના ઘર સાથે જોડાયેલા મામલામાં શૂટરો હરિયાણા સાથે જોડાયેલા હોવાનું બહાર આવતા હરિયાણા પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે.