સલમાન ખાન અને ભાજપના નેતા વચ્ચે ચૂંટણી પહેલા થઇ આ વાત…
મુંબઈ: લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપના મુંબઈ અધ્યક્ષ અભિનેતા સલમાન ખાનને અને તેમના કુટુંબને મળ્યા હતા.ભાજપ અધ્યક્ષ આશિષ શેલારે સલમાન ખાન દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યો વિશે વાત કરી હતી.
જરૂરિયાતમંદોની મદદ ઉપરાંત સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લોકોને સહાયની જરૂર પડે તેમની માટે સલમાન ખાન અને તેમના કુટુંબ દ્વારા કરવામાં આવતા કામો વિશે શેલારે વાતચીત કરી હતી.
શેલારે સલમાન ખાનના કુટુંબ સાથેની મુલાકાત વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(પહેલા ટ્વિટર) ઉપર માહિતી આપી હતી અને તે લંચ પર મળ્યા હોવાનું જણાવ્યું હતું.
તેમણે સલમાન ખાન અને તેમના પિતા તેમ જ સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાન સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.
તેમણે એક્સ ઉપર લખ્યું હતું કે છેલ્લાં બે દાયકાથી જરૂરિયાતમંદોની સેવા કરનારા તેમ જ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં લોકોને સહાય આપનારા હેલનજી, સલમાન ખાન અને તેમના પિતા જેમણે આ કામ શરૂ કર્યું હતું તેવા સલીમ ખાનજીને મળીને ખૂબ આનંદ થયો.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનનો મોટો ચાહક વર્ગ છે અને ભાજપના નેતા ચૂંટણી પહેલા જ તેમને મળ્યા તે એક મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે.
અભિનેતાઓ અને અભિનેત્રીઓનો ચાહક વર્ગ ખૂબ જ બહોળો હોય છે અને તેમનો પ્રભાવ પણ ચૂંટણી ઉપર પડે તેમાં કોઇ નવાઇની વાત નથી. હાલમાં જ અભિનેતા ગોવિંદા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા હતા અને અભિનેત્રી કંગના રાણૌત પણ ભાજપ તરફથી હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ તરફથી ચૂંટણી લડવાની છે. આવામાં સલમાન ખાનના કુટુંબ સાથે ભાજપના નેતાની થયેલી મુલાકાત બાદ ચર્ચાનો દોર શરૂ થયો છે.