સેલોંની ગુજરાતી ફાઇનાન્સ મેનેજર કીર્તિ વ્યાસની હત્યા: બંને સહકર્મીને જનમટીપ
મુંબઈ: હાઇ-એન્ડ સેલોં ચેઇનની ગુજરાતી ફાઇનાન્સ મેનેજર કીર્તિ વ્યાસની હત્યાના કેસમાં બંને સહકર્મીને સેશન્સ કોર્ટે મંગળવારે જનમટીપની સજા ફટકારી હતી.
એડિશનલ સેશન્સ જજ એમ. જી. દેશપાંડેએ સોમવારે આરોપી સિદ્ધેશ તામ્હાણકર અને ખુશી સજવાનીને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા), 201 (પુરાવા નષ્ટ કરવા) અને અન્ય સુસંગત જોગવાઇઓ હેઠળ દોષી ઠેરવ્યાં બાદ મંગળવારે તેમને સજા ફટકારી હતી.
કીર્તિ વ્યાસ માર્ચ, 2018માં ગુમ થઇ હતી અને હજી સુધી તેનો મૃતદેહ મળ્યો નથી. આથી જ આ કેસ દુર્લભમાંથી એક છે.
ઉલ્લેખનીય છે કે ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રહેતી કીર્તિ વ્યાસ (28) અંધેરીમાં સેલોં ચેઇન બીબ્લન્ટ ખાતે ફાઇનાન્સ મેનેજર હતી, જ્યારે તામ્હાણકર અને સજવાની એકાઉન્ટ એક્ઝિક્યુટિવ તથા એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરતાં હતાં.
તામ્હાણકર તેને આપેલું કામ વ્યવસ્થિત ન કરતો હોવાથી કામમાં સુધારો ન લાવે તો કાર્યવાહી કરવામાં આવશે, એવી નોટિસ કીર્તિ વ્યાસે આપી હતી. આને કારણે કીર્તિ વ્યાસની હત્યા કરવામાં આવી હતી.
કીર્તિ વ્યાસ 16 માર્ચ, 2018ના રોજ સવારે ઓફિસ જવા નીકળી હતી અને બાદમાં ગુમ થઇ ગઇ હતી. તેના બંને મોબાઇલ પણ બંધ હતા. પરિવારજનોએ બધે તપાસ કર્યા બાદ પણ કીર્તિ વિશે કોઇ માહિતી ન મળતાં ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. તેમણે ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કરીને પોલીસને સોંપ્યા હતા.
દરમિયાન આ કેસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2ને સોંપવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે ઘટનાને દિવસે કીર્તિના નિવાસ નજીક ખુશી અને તામ્હાણકર કારમાં થોભ્યાં હતાં. પોલીસે બાદમાં તામ્હાણકરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે કીર્તિ ઘરેથી ઓફિસ જવા નીકળી ત્યારે તેને બોલાવીને કારમાં બેસવાનું કહ્યું હતું. ત્રણેય કારમાં જઇ રહ્યાં હતાં ત્યારે કીર્તિ મહત્ત્વની મીટિંગ હોવાથી ગ્રાન્ટ રોડ સ્ટેશન પર ઊતરી ગઇ હતી. જોકે રેલવે સ્ટેશનના અને આજુબાજુના સીસીટીવી ફૂટેજમાં કીર્તિ નજરે પડી નહોતી. પોલીસને બાદમાં ખુશીની કારની ડિકીમાં મળેલા લોહીના ડાઘનું ડીએનએ પરીક્ષણ કરતાં હત્યાનું કોકડું ઉકેલાઇ ગયું હતું.