Saif Ali Khan Attack: મુંબઈ પોલીસે લોકેશન મોકલ્યું ને આરપીએફે છત્તીસગઢના દુર્ગ સ્ટેશનેથી શકમંદને તાબામાં લીધો
દુર્ગ: બાંદ્રા પશ્ચીમમાં અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કરવાના કેસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સે (RPF) છત્તીસઢના દુર્ગ રેલવે સ્ટેશન પરથી શનિવારે બપોરના 31 વર્ષના શકમંદને પકડી પાડ્યો હતો.
શકમંદની ઓળખ આકાશ કૈલાશ કનોજિયા તરીકે થઇ હતી, જે મુંબઈ લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)થી કોલકાતા શાલીમાર વચ્ચે દોડતી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં પ્રવાસી કરી રહ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સૈફ હુમલા કેસમાં બાન્દ્રા પોલીસ પર ઠીકરું ફોડ્યું ક્રાઇમ બ્રાંચે, કહ્યું…
દુર્ગ આરપીએફને મુંબઈ પોલીસ પાસેથી શનિવારે બપોરે માહિતી મળી હતી કે સૈફ અલી ખાન પર હુમલાનો શકમંદ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહ્યો છે. શકમંદનું મોબાઇલ લોકેશન અને તેનો ફોટો પણ શૅર કરવામાં આવ્યો હતો.
દુર્ગની આરપીએફે મુંબઈ-હાવડા માર્ગ પર દુર્ગ પૂર્વે આવતા રાજનંદગાવ સ્ટેશનની આરપીએફને સતર્ક કરી દીધી હતી, પણ ટ્રેન ત્યાં થોભી ત્યારે શકમંદ મળી આવ્યો નહોતો.
દરમિયાન દુર્ગ રેલવે સ્ટેશન પર બે ટીમ તૈયાર રાખવામાં આવી હતી. ટ્રેન જ્યારે દુર્ગ રેલવે સ્ટેશન પર આવી ત્યારે શકમંદની શોધ ચલાવાઇ હતી અને તેને ટ્રેનના જનરલ કોચમાંથી તાબામાં લેવામાં આવ્યો હતો. શકમંદને પૂછપરછમાં શરૂઆતમાં કહ્યું હતું કે તે નાગપુર જતો હતો. બાદમાં તેણે કહ્યું હતું કે તે બિલાસપુર જઇ રહ્યો હતો. તેની પાસે ટિકિટ પણ નહોતી.
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર થયેલાં હુમલા અંગે Rakhi Sawantએ આપી પ્રતિક્રિયા, કહ્યું આટલા પૈસા…
આરપીએફે બાદમાં શકમંદનો ફોટો મુંબઈ પોલીસને મોકલ્યો હતો. વીડિયો કૉલ પર પણ બતાવ્યો હતો. મુંબઈ પોલીસે તેને ઓળખી કાઢ્યો હતો. ત્યાર બાદ તેને તાબામાં લઇને ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યો હતો.
સૈફ અલી ખાન પર હુમલા પહેલા ઇમારતમાં જતી વખતે અને હુમલો કર્યા બાદ નીચે ઊતરતી વખતે શકમંદ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેને આધારે તેને તાબામાં લેવાયો હતો.
મુંબઈ પોલીસની ટીમ શકમંદનો કબજો લેવા માટે સાંજે ફ્લાઇટ દ્વારા રાયપુર જવા માટે નીકળી હતી. અગાઉ પણ પોલીસે એક શકમંદને તાબામાં લીધો હતો. જોકે તેની સંડોવણી ન હોવાથી તેને છોડી દેવામાં આવ્યો હતો.