સૈફે સમયસર હૉસ્પિટલ પહોંચાડનારા રિક્ષા ડ્રાઈવરને મળી આભાર માન્યો
મુંબઈ: ફ્લૅટમાં ઘૂસેલા ચોરે છરીથી હુમલો કર્યા બાદ જખમી અવસ્થામાં પોતાને સમયસર હૉસ્પિટલ પહોંચાડનારા રિક્ષા ડ્રાઈવર ભજન સિંહ રાણાને મળી અભિનેતા સૈફ અલી ખાને તેનો આભાર માન્યો હતો અને જરૂર પડ્યે મદદ કરવાની ખાતરી આપી હતી.
હુમલા બાદ સૈફને સારવાર માટે બાન્દ્રાની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પહેલાં સૈફ મંગળવારે રિક્ષા ડ્રાઈવર રાણાને મળ્યો હતો. સૈફે તેને અમુક રોકડ રકમ આપી હતી અને જરૂર પડ્યે બધી મદદ કરવાની ખાતરી પણ આપી હતી.
રાણાએ જણાવ્યું હતું કે હું ગઈ કાલે તેમને (સૈફને) હૉસ્પિટલમાં મળ્યો હતો. હૉસ્પિટલ પહોંચાડીને મદદ કરવા બદલ તેણે મારો આભાર માન્યો. તેમણે મારી પીઠ થાબડી. તેમના અને તેમના પરિવારના મને આશીર્વાદ મળ્યા.
રાણાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે (ખાને) તેમની માતા (શર્મિલા ટાગોર) સાથે પણ મને મળાવ્યો. મેં તેમના ચરણસ્પર્શ કર્યા. તેણે મને જે યોગ્ય (રૂપિયા) લાગ્યું તે આપ્યું અને કહ્યું મને જ્યારે મદદની જરૂર હશે ત્યારે તે હાજર રહેશે.
આ પણ વાંચો : દાઝ્યા પર ડામ જેવું થયું સૈફ અલી ખાનને, સરકારે…..
ઉલ્લેખનીય છે કે ગુરુવારના મળસકે અઢી વાગ્યાની આસપાસ આરોપી શરીફુલ ફકીર (30) બાન્દ્રા પશ્ર્ચિમની સતગુરુ શરણ બિલ્ડિંગમાં સૈફ અલી ખાનના ફ્લૅટમાં ચોરીને ઇરાદે ઘૂસ્યો હતો. સ્ટાફ નર્સની બૂમાબૂમ સાંભળી દોડી આવેલા સૈફે આરોપીનો બહાદુરીથી સામનો કર્યો હતો. જોકે બચવાના પ્રયાસમાં આરોપીએ સૈફ પર છરીના છ ઘા ઝીંક્યા હતા, જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો. જખમી હાલતમાં સૈફ બિલ્ડિંગની નીચે ઊતર્યો હતો અને રાણાની રિક્ષામાં લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યો હતો. (પીટીઆઈ)