સૈફ પર હુમલા પછી સીસીટીવીમાં દેખાયેલો આરોપી શરીફુલ જ હોવાની ખાતરી કરવા માગે છે પોલીસ
શરીફુલનું ફેસિયલ રેકગ્નિશન કરવામાં આવશે: કોર્ટે તેને પાંચ દિવસની કસ્ટડીમાં સોંપ્યો
મુંબઈ: બોલીવૂડના સ્ટાર સૈફ અલી ખાન પર છરીથી હુમલો કર્યા પછી બિલ્ડિંગના સીસીટીવી કૅમેરામાં દેખાયેલો શકમંદ શરીફુલ ફકીર જ હોવાની પોલીસ ખાતરી કરવા માગે છે. આ માટે ધરપકડ કરાયેલા આરોપી શરીફુલ ફકીરનું ફેસિયલ રેકગ્નિશન કરવામાં આવશે, એવી માહિતી પોલીસે કોર્ટમાં આવી હતી.
બાન્દ્રાના ફ્લૅટમાં ચોરીને ઇરાદે ઘૂસી સૈફ પર છરીથી હુમલો કરવાના કેસમાં પોલીસે ઘોડબંદર રોડ પરના મૅન્ગ્રોવ્ઝમાંથી શનિવારની મધરાતે આરોપી શરીફુલ ઈસ્લામ શેહઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર (30)ની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેને શુક્રવારે ફરી બાન્દ્રા કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 29 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આરોપીની વધુ કસ્ટડીની માગતાં કરતાં પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે તપાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે અને આ કેસમાં મહત્ત્વપૂર્ણ પાસાઓ પર આરોપીની પૂછપરછ કરવાની બાકી છે.
સરકારી વકીલ કે. એસ. પાટીલ અને પ્રસાદ જોશીએ દલીલ કરી હતી કે સૈફની બિલ્ડિંગમાંથી તાબામાં લેવાયેલા સીસીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં નજરે પડતો શકમંદ શરીફુલ જ છે તેની ખાતરી કરવા તેનું ફેસિયલ રેકગ્નિશન કરવું જરૂરી છે.
સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો આરોપી પોતાનો પુત્ર ન હોવાનો દાવો શરીફુલના પિતાએ કર્યા બાદ પોલીસે ફેસિયલ રેકગ્નિશનનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. તેના પિતાએ આક્ષેપ કર્યો હતો કે અમુક સમાનતાઓને કારણે શરીફુલને આ કેસમાં સંડોવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ‘સૈફ અલી ખાન પર હુમલો કરનાર મારો દીકરો નથી…’ આરોપીના પિતાનો દાવો
મૅજિસ્ટ્રેટ કે. સી. રાજપૂતે ગુનાનો પ્રકાર અને તપાસની પ્રગતિ જોતાં આરોપીની કસ્ટડી વધારવાની જરૂર હોવાનું નોંધ્યું હતું.
સૈફના ઘરમાંથી મળેલાં શૂઝનાં નિશાન અને આરોપીના ફૂટપ્રિન્ટ્સની પોલીસ તપાસ કરી રહી છે. આરોપીએ હુમલા સમયે પહેરેલાં શૂઝ હજુ હસ્તગત કરી શકાયાં નથી. એ સિવાય સૈફની પીઠ પર જે છરીથી હુમલો કરાયો હતો તેનો એક ટુકડો હજુ મળ્યો નથી અને આરોપી તપાસમાં સહકાર આપતો નથી, એમ અધિકારીએ કોર્ટમાં જણાવ્યું હતું.
કોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે આરોપીનું બાંગ્લાદેશનું ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યું છે, જેના પરથી ખાતરી થાય છે કે તે બાંગ્લાદેશનો વતની છે.
આરોપી ભારતમાં વિજય દાસ નામે રહેતો હતો. આ માટે તેને બનાવટી આધાર કાર્ડ અને પૅન કાર્ડ બનાવી આપમાં મદદ કરનારાની પણ તપાસ કરવી જરૂરી છે, એવું સરકારી વકીલે જણાવ્યું હતું.
શરીફુલના વકીલ દિનેશ પ્રજાપતિ અને સંદીપ શેરકાન્હેએ પોલીસની અરજીનો વિરોધ કર્યો હતો અને ઘટનાની વિશ્ર્વસનીયતા પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે સૈફ પાસે પૂરતો સમય હતો છતાં તેણે મદદ માટે પોલીસને બોલાવી નહોતી. પોલીસ કહે છે તેમ ચાકુનો ટુકડો શોધવા માટે આરોપીની કસ્ટડી વધારવાનું આવશ્યક નથી. તેને અદાલતી કસ્ટડીમાં મોકલી આપવાની દલીલ તેમણે કરી હતી. (પીટીઆઈ)