મહાદેવ બૅટિંગ ઍપ: ઍક્ટર સાહિલ ખાનનું નિવેદન નોંધાયું

મુંબઈ: મહાદેવ બૅટિંગ ઍપ કેસમાં કથિત સંડોવણી મામલે પોતાનું નિવેદન નોંધાવવા માટે ફિલ્મ અભિનેતા સાહિલ ખાન શનિવારે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો હતો.
મુંબઈ સાયબર સેલની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) અગાઉ ડિસેમ્બર, 2023માં સાહિલ ખાન અને અન્ય ત્રણ જણને સમન્સ મોકલાવ્યા હતા. જોકે અભિનેતા પૂછપરછ માટે એસઆઈટી સમક્ષ હાજર થયો નહોતો.
એફઆઈઆર અનુસાર આ સ્કૅમ અંદાજે 15 હજાર કરોડ રૂપિયાનું છે. આ કેસના મુખ્ય આરોપીઓમાંના એક રવિ ઉપ્પલને ગયા વર્ષે દુબઈમાં સ્થાનિક એજન્સીએ પકડી પાડ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની રજૂઆત પછી ઈન્ટરપોલે જારી કરેલી રેડ કૉર્નર નોટિસને આધારે દુબઈ પોલીસે તેની ધરપકડ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
‘સ્ટાઈલ’ અને ‘એક્સક્યુઝ મી’ ફિલ્મથી જાણીતા બનેલો અભિનેતા ફિટનેસ એક્સપર્ટ તરીકે પણ કામ કરે છે. થોડાં વર્ષ અગાઉ તેણે પોતાની એક કંપની પણ શરૂ કરી હતી.