ખંડણીના કેસમાં વોન્ટેડ ગેન્ગસ્ટર રવિ પૂજારીના સાગરીતની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ
થાણે: ખંડણીના કેસમાં વોન્ટેડ ગેન્ગસ્ટર રવિ પૂજારીના સાગરીતની છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે ગુરુવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિજય પુરુષોત્તમ સાળવી ઉર્ફે વિજય તાંબટ તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી વિજય પુરુષોત્તમ સાળવી દેશ છોડીને ભાગી છૂટ્યો હતો અને પોલીસ દ્વારા તેની વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું. સાળવી યુએઇથી ફ્લાઇટમાં મુંબઈ એરપોર્ટ પર આવતાં ઇમિગ્રેશન ઓફિસરોએ તેને તાબામાં લીધો હતો અને બાદમાં તેને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ૨૦૧૭માં ગેન્ગસ્ટર રવિ પૂજારીએ રોમા બિલ્ડર્સના મહેન્દ્ર પમનાનીને ફોન કરીને રૂ. ૧૦ કરોડની ખંડણી માગી હતી. આ કેસમાં સાળવી વોન્ટેડ હતો.
ગેંગસ્ટર રવિ પૂજારીએ બિલ્ડર્સ
મહેન્દ્ર પમનાનીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને થાણેની તેની ઓફિસમાં શાર્પશૂટરોને પણ મોકલ્યા હતા. પોલીસે શસ્ત્રો સાથે આરોપીની ધરપકડ કરી હતી.
વિજય પુરુષોત્તમ સાળવી સામે થાણેના કાસારવડવલી, મુંબઈના કસ્તુરબા માર્ગ અને સમતાનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુના દાખલ છે. (પીટીઆઈ)