ડૉલર સામે રૂપિયો 44 પૈસા ખાબકીને 88.73નાં નવાં તળિયે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાએ નવાં એચવન બી વિઝાની ફી વધારીને એક લાખ ડૉલર કરી હોવાથી ભારતીય આઈટી સર્વિસીસ કંપનીઓ પર માઠી અસર પડવાની સાથે દેશનાં રેમિટન્સ પર તેની પ્રતિકૂળ અસર પડે તેમ હોવાથી તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીના દબાણને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 44 પૈસા ખાબકીને 88.73નાં નવાં તળિયે બંધ રહ્યો હતો. જોકે, સત્ર દરમિયાન એક તબક્કે 54 પૈસાનો કડાકો બોલાઈ ગયો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.28ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 88.41ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.82 અને ઉપરમાં 88.41ની ખૂલતી રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 44 પૈસા ગબડીને 88.73ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં 12 પૈસાનો ઘસારો આવ્યો હતો.
આ પણ વાંચો: વિદેશી હૂંડિયામણની અનામતમાં ચાર અબજ ડૉલરનો વધારો
અમેરિકાના વિઝા ફીમાં થયેલો વધારો સ્થાનિક ઈક્વિટી માર્કેટને વધુ ડહોળે તેવી શક્યતા તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલીને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતા 88.45થી 89.20ની રેન્જ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ ઉમેર્યું હતું કે શક્યતઃ ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અમુક અંશે રૂપિયાને ટેકો આપી શકે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.06 ટકા ઘટીને 97.28 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.41 ટકા વધીને બેરલદીઠ 66.84 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 57.87 પૉઈન્ટનો અને 32.85 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2910.09 કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.