સરકારી અધિકારી પાસે ખંડણી માગી આરટીઆઈ કાર્યકર અનેબે પત્રકારની ધરપકડ
વરિષ્ઠ અધિકારીઓ પર દબાણ લાવવા આરોપી ઉપવાસ પર ઉતરવાનું નાટક કરતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાઈટ ટુ ઈન્ફર્મેશન (આરટીઆઈ) હેઠળ માહિતી મેળવ્યા પછી સરકારી અધિકારીઓ પાસેથી કથિત ખંડણી માગવા પ્રકરણે થાણેના ખંડણી વિરોધી પથકે નાશિકના આરટીઆઈ કાર્યકર અને બે પત્રકારની ધરપકડ કરી હતી. આરટીઆઈ હેઠળની માહિતીનો દુરુપયોગ કરનારા આરોપીઓ અખબારોમાં ભ્રષ્ટાચાર સંબંધી સમાચારો છાપ્યા પછી વરિષ્ઠ અધિકારીઓ પર દબાણ લાવવા દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે ઉપવાસ પર ઊતરવાનું નાટક કરતા હતા. પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ આરટીઆઈ કાર્યકર સુભાષ નથુ પાટીલ (40), સાપ્તાહિક લોક રાજકારણના તંત્રી શમશાદ સજ્જાદ ખાન પઠાણ (48) અને સાપ્તાહિક નવસ્ફૂર્તિના પત્રકાર સંતોષ ભીકન હીરે (44) તરીકે થઈ હતી. કોર્ટે ત્રણેય આરોપીને 7 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. અધિકારીના જણાવ્યા મુજબ કલવામાં રહેતા સબ-રજિસ્ટ્રાર જયંત જોપળેએ આ મામલે થાણેના એન્ટી એક્સ્ટોર્શન સેલમાં ફરિયાદ કરી હતી. સિનિયર ઈન્સ્પેક્ટર શેખર બાગડેની ટીમે કલવાની સરોવર હોટેલ નજીક છટકું ગોઠવી ફરિયાદી પાસેથી 50 હજાર રૂપિયા સ્વીકારનારા સંતોષ હીરે અને એક લાખ રૂપિયા સ્વીકારનારા પઠાણને રંગેહાથ પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેમણે આપેલી માહિતી પછી આરટીઆઈ કાર્યકર પાટીલને પણ તાબામાં લેવાયો હતો. આ પ્રકરણે શુક્રવારે કલવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીઓએ આરટીઆઈ હેઠળની માહિતીનો ઉલ્લેખ કરી ફરિયાદીની ઑફિસમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું કહ્યું હતું. આ સંદર્ભેના અહેવાલો પોતાના સાપ્તાહિકમાં છાપી ફરિયાદીની બદનામી કરી હતી. ફરિયાદીને સસ્પેન્ડ કરવા સંબંધી અરજી સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીને કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ બધું રોકવા માટે ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ રૂપિયા ન આપતાં તેમના પર દબાણ લાવવા અખબારોમાં ભ્રષ્ટાચાર સંબંધી ન્યૂઝ છાપીને અંબરનાથમાં રહેતો હીરે અને નાશિકમાં રહેતો પઠાણ સમયાંતરે આઝાદ મેદાન ખાતે ઉપવાસ પર ઊતરતા હતા. આરોપીઓની કથિત ધમકીથી કંટાળીને આખરે જોપળેએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ અન્ય સરકારી અધિકારીઓનો પણ સંપર્ક સાધ્યો હતો. ઉ