રૂ. ૧૮૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોની ૨૪ મિલકત સામે જપ્તિ અને સીઝની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રોપર્ટી ટેક્સ ભરવાનું ટાળનારા વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ અઠવાડિયામાં જુદા જુદા વિસ્તારમાં આવેલી ૨૪ મિલકત પર જપ્તિ અને સીઝની કાર્યવાહી કરવામાં આવી છે. તો વરલીની એક હાઉસિંગ સોસાયટીને ૩૫.૧૪ કરોડ રૂપિયાનો ટેક્સ ભરવા માટે ૪૮ કલાકની મુદત સાથેની નોટિસ ફટકારવામાં આવી છે.
મુદત આપ્યા બાદ પણ પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આડોઈ કરનારાઓને વખતોવખત નોટિસ રિમાઈન્ડર આપ્યા બાદ પણ નહીં ભરનારા સામે દંડાત્મક તેમ જ કાયદેસર પગલા લેવામાં આવી રહ્યા છે. છતાં ટેક્સ નહીં ચૂકવનારા સામે આકરા પગલા લેવાની શરૂઆત પાલિકાએ કરી છે, જે અંતર્ગત ચાલુ અઠવાડિયામાં પાલિકાના ઈ, ડી, જી-દક્ષિણ, પી-ઉત્તર, એચ-પૂર્વ, એમ-પશ્ર્ચિમ, એમ-પૂર્વ, એફ-ઉત્તર વોર્ડના કરધારકો સામે પાલિકાના અધિનિયમ ૧૮૮૮ની કલમ ૨૦૫ અનુસાર જપ્તિ અને સીઝની કાર્યવાહી કરવામાં આવી છે.
એચ-પૂર્વ વોર્ડના જે. કુમાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડના કાસ્ટિંગ યાર્ડ પર ૮૦ કરોડ રૂપિયા, જી-દક્ષિણ વોર્ડમાં વરલીની શુભદા ગૃહનિર્માણ સંસ્થા પર ૩૫.૯૪ કરોડ, રેનિસન્સ ટ્રસ્ટના ૬.૭૨ કરોડ રૂપિયાના બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પ્રકરણમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. શુભદા ગૃહનિર્માણ સંસ્થાને બાકી રહેલી ટેક્સની રકમ ભરવા માટે ૪૮ કલાકની મુદતની નોટિસ ફટકારવામાં આવી છે. તો રેનિસન્સ ટ્રસ્ટના ચાર જેસીબી અને એક પોકલેન મશીને જપ્ત કરવામાં આવ્યું હતું.
જી-દક્ષિણ વોર્ડમાં ન્યૂ શરીન ટૉકીઝ પર છ કરોડ ૪૭ લાખ રૂપિયાનો ટેક્સ ભર્યો ન હોવાથી નિલામીની નોટિસ બહાર પાડવામાં આવી છે. પી-ઉત્તર વોર્ડમાં મલાડમાં આવેલી શાંતીસાગર રિઆલ્ટી પ્રાઈવેટ લિમિટેડનો પ્લોટ (૧.૬૫ કરોડ), મેસર્સ લોક હાઉસિંગ એન્ડ ક્ધસ્ટ્રક્શન લિમિટિડેનો પ્લોટ (૩.૯૧ કરોડ), ચેંબુરમાં મેસર્સ જી.એ. બિલ્ડરનો પ્લોટ (૧.૦૫ કરોડ), ઓસવાન હાઈટના કમર્શિયલ ગાળા (૨૬.૪૮ લાખ) ફ્લોરા એવેન્યુનાકમર્શિયલ ગાળા ( ૯૨.૭૨ લાખ), મેસર્સ અરિહંત રિએલ્ટર્સનો પ્લોટ (૧.૯૬ કરોડ), ઈ વોર્ડમાં મેસર્સ પ્રભાતનો કમર્શિયલ ગાળો(૭૨ લાખ), હેકસ રિએલ્ટર્સનો કમર્શિયલ ગાળો (૧.૧૨ કરોડ), પી-ઉત્તર વોર્ડમાં માલવણીમાં ડૉટમ રિઅલ્ટીનો પ્લોટ (૧૩.૦૬ કરોડ), મલાડમાં ક્રિસેટ આદિત્ય રિએલ્ટર્સ પ્રાઈવેટ લિમિટેડનો પ્લોટ (૨.૫૦ કરોડ), એચ-પૂર્વ વોર્ડમાં એન.જે. ફિનસ્ટોક પ્રા.લિ.નો કમર્શિયલ ગાળો (૪૫.૮૩ લાખ), પી-ઉત્તર વોર્ડમાં સમર્થ ડેવલપર્સનો પ્લોટ (૨.૩૧ કરોડ), અંજતા કર્મવીર ગ્રૂપનો પ્લોટ (૨.૦૫ કરોડ), ડી વોર્ડમાં શ્રીનીજૂ ઈન્ડસ્ટ્રીનો કમર્શિયલ ગાળો (૩.૭૭ કરોડ), એમ-પશ્ર્ચિમ વોર્ડમાં નેત્રાવતી ગૃહનિર્માણ સંસ્થાનો પ્લોટ (૬૭.૫૧ લાખ), વિજયા ગૃહનિર્માણ સંસ્થાનો પ્લોટ (૧.૬૮ કરોડ), જય શ્રી ડી. કાવળે (૧.૬૫ કરોડ), ઈ વોર્ડમાં સૈયદન અકબર હુસેનનો કમર્શિયલ ગાળો (૫૮.૧૩ લાખ), એફ-ઉત્તર વોર્ડમાં બી.પી.ટેક્નો પ્રોડક્સ પ્રાઈવેડ લિમિટેડનો ગાળો (૪૧.૦૫ લાખ) વગેરેની મિલકત પર જપ્તિ અને સીઝની કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી થયા બાદ મિલકતધારકોને આગામી પાંચ દિવસમાં ટેક્સ નહીં ભર્યો તો જપ્ત કરેલી મિલકતની નિલામી દ્વારા વેચાણ કરવામાં આવશે.
વર્ષ ૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષમાં પ્રોપર્ટી ટેક્સ ભરવાની છેલ્લી તારીખ ૨૫ મે, ૨૦૨૪ છે. મિલકતધારકોએ અંતિમ મુદત પહેલા ટેક્સ નહીં ભર્યો તો તેમની સામે આકરા પગલા લેવામાં આવશે. તેથી પાલિકાએ તેમને તુરંત ટેક્સ ભરી દેવાની અપીલ કરી છે.