રૂ. 32 લાખનું ડ્રગ્સ જપ્ત: નાઇજીરિયન સહિત બેની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મુલુંડ અને નાલાસોપારાથી રૂ. 32 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરીને નાઇજીરિયન સહિત બેની ધરપકડ કરી હતી.
એએનસીના આઝાદ મેદાન યુનિટે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ફિરોઝ અમાનુલ્લા સૈયદ (42) અને જોસેફ ચિનાએડમ ચિકવુ ઉર્ફે જૈઝ ઉર્ફે અલોમા (39) તરીકે થઇ હતી. બંને આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી જોસેફ 2019માં ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યો હતો અને તેના વિઝાની મુદત 2021માં પૂરી થઇ હતી. ત્યારથી તે ગેરકાયદે વસવાટ કરતો હતો. આથી તેની સામે ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
એએનસીના આઝાદ મેદાન યુનિટનો સ્ટાફ સોમવારે મુલુંડ પૂર્વમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મીઠાગર ખાતે તેમણે શંકાને આધારે ફિરોઝ સૈયદને તાબામાં લીધો હતો. તેની તલાશી લેવાતાં મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સ તેને નાલાસોપારામાં રહેતા નાઇજીરિયન ફિરોઝે આપ્યું હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યા બાદ પોલીસે બુધવારે તેને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.