રૂ. 252 કરોડના મેફેડ્રોનની જપ્તિનો કેસ: મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવેલી 3.46 કરોડની રોકડ હસ્તગત કરાઇ
મુંબઈ: કુર્લા, મીરા રોડ અને સાંગલીથી રૂ. 252 કરોડની કિંમતનું 126 કિલો મેફેડ્રોન પકડી પાડી મહિલા સહિત 10 જણની ધરપકડ કરનારી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે ભિવંડીથી 3.46 કરોડની રોકડ હસ્તગત કરી હતી, જે મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવી હતી અને પોતાના ઘરમાં છુપાવી રાખી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ 12 ફેબ્રુઆરીએ કુર્લા પશ્ચીમથી પરવીનબાનો શેખને રૂ. 12.20 લાખના મેફેડ્રોન અને દોઢ લાખના દાગીના સાથે ઝડપી પાડી હતી. શેખને ડ્રગ્સ વેચનારા સાજીદ આસિફ શેખને બાદમાં મીરા રોડથી રૂ. છ કરોડના ડ્રગ્સ સાથે તાબામાં લેવાયો હતો. સાજીદ શેખને ડ્રગ્સ સપ્લાય કરનાર સુરતના રહેવાસી ઇજાઝઅલી અન્સારી અને આદિલ બોહરાની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વર્સોવા-ગોરેગામથી રૂ. 2.21 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત: બે નાઇજીરિયન સહિત ચાર જણની ધરપકડ
આરોપીઓની પૂછપરછ તેમ જ ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ પોલીસની ટીમે 25 માર્ચે સાંગલી સ્થિત કવઠે મહાંકાળ તાલુકાના ઇરળી ગામમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો અને ત્યાંથી રૂ. 245 કરોડનુંં મેફેડ્રોન પકડી પાડીને છ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમની ઓળખ પ્રવીણ ઉર્ફે નાગેશ શિંદે, વાસુદેવ જાધવ, પ્રસાદ મોહિતે, વિકાસ મલમે, અવિનાશ મહાદેવ માળી અને લક્ષ્મણ બાળુ શિંદે તરીકે થઇ હતી.
મુખ્ય આરોપી પ્રવીણ ઉર્ફે નાગેશ શિંદે ઉત્તર પ્રદેશમાં બે વર્ષ અગાઉ ડ્રગ્સ બનાવતા શીખ્યો હતો. બાદમાં તેણે સાંગલીમાં આરોપી વાસુદેવ જાધવની જગ્યા ભાડા પર લઇ ત્યાં ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હતી. પ્રવીણે ડ્રગ્સ વેચીને મળેલા રૂ. 3.46 કરોડ ભિવંડીના પોતાના ઘરે છુપાવી રાખ્યા હતા, જે પોલીસે ગુરુવારે હસ્તગત કર્યા હતા.