ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના પુલના સમારકામ માટે રૂ.૧૩૬ કરોડ ખર્ચાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની ધોરી નસ કહેવાતા ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા મહત્ત્વના બ્રિજના સમારકામ કરવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. તે માટે લગભગ ૧૩૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
તાજેતરમાં મુંબઈના તમામ ફ્લાયઓવરના સમારકામ તાત્કાલિક હાથ ધરીને રસ્તાના પુષ્ઠભાગ પર નવા થર (રિસર્ફેસિંગ) નાંખવાની સૂચના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપી હતી. એ બાદ પાલિકા પ્રશાસન દ્વારા તાત્કાલિક ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને બાંધેલા બ્રિજ પર માસ્ટિક નાખીને તેનું રિસર્ફેસિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ માટે ૬૨ કરોડ રૂપિયા અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના બ્રિજ માટે ૭૬ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.
છેલ્લા અનેક વર્ષોમાં વધતા ટ્રાફિક અને ચોમાસામાં સતત પડેલા વરસાદને પગલે રસ્તાની સાથે જ ફ્લાયઓવરના ઉપરના ભાગમાં રહેલા ડામરને ભારે નુકસાન થયું હતું, તેને કારણે ટ્રાફિકને અસર થઈ રહી છે. બ્રિજને સુરક્ષિત રાખવા માટે મોટા પ્રમાણમાં રિસર્ફેસિંગ, સ્ટ્રક્ચરલ સમારકામ અને ડ્રેનેજ લાઈનમાં સુધારણા આવશ્યક થઈ ગઈ છે. તાજેતરમાં થયેલી બેઠક દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાને યુદ્ધના ધોરણે રસ્તા અને બ્રિજના ઉપરના થરનું સમારકામ કરવાનો આદેશ આપ્યો હતો. એ બાદ બ્રિજ પરના રસ્તાથી લઈને એપ્રોચ રસ્તાનું સ્ટ્રક્ચરલ સમારકામ હાથ ધરવામાં આવ્યા છે.
સ્ટેટ રોડના ફ્લાયઓવરના સમારકામ થશે
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અંધેરી, વિલેપાર્લે, ગોરેગામ, દહાણુકરવાડી સુધી અનેક ફ્લાયઓવર આવેલા છે. આ તમામ પુલના ઉપરના ભાગનું માસ્ટિક અસ્ફાલ્ટ રિસર્ફેસિંગ કરવામાં આવશે. એ સાથે જ બ્રૅક્સ સીલિંગ, લેન માર્કિંગને નવેસરથી રંગવામાં આવશે.
એ સાથે જ ફૂટપાથના પણ સમારકામ કરશે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર માનખુર્દ, ઘાટકોપર, વિક્રોલી અને થાણે દિશા તરફના ફ્લાયઓવરના સમારકામ થશે. રિસર્ફેસિંગની સાથે જ સ્ટૅમ વોટર ડ્રેનેજ લાઈનના સમારકામ, ફૂટપાથના સમારકામ વગેરે કામનો પણ સમાવેશ થાય છે.
હાઈવેનો ખર્ચો માથા પર પડ્યો
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ૨૦૨૨ની સાલમાં ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની જવાબદારી મુંબઈ મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવી હતી. પાલિકાના તાબામાં આવ્યા બાદ તેના સમારકામની પાછળ પાલિકાના કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે.
આ અગાઉ મે મહિનામાં ચોમાસા પહેલા પાલિકાએ ૧૭૬ કરોડ રૂપિયાના ખર્ચે સમારકામ કર્યું હતું. તો સપ્ટેમ્બર ૨૦૨૪માં સર્વિસ રોડના સમારકામ માટે ૧,૫૦૦ કરોડ રૂપિયાના ટેેન્ડર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ચકાચક…



