આમચી મુંબઈ

ફિલ્મમેકર રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર: મુખ્ય સૂત્રધાર શુભમ લોણકરના ઇશારે

શસ્ત્રો પૂરાં પાડનારો આરોપી ઝડપાયો: પાંચેય આરોેપીને 11 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જુહુ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને ગોળીબારના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. પુણેના વારજે માળવાડી વિસ્તારમાં રહેનારા આરોપીની ઓળખ આસારામ શ્રીરંગ ફાસલે ઉર્ફે બાબુ (42) તરીકે થઇ હોઇ તેણે મુખ્ય સૂત્રધાર શુભમ રામેશ્ર્વર લોણકરના ઇશારે શસ્ત્રો પૂરાં પાડ્યાં હતાં, જે આ કેસમાં પકડાયેલા એક આરોપીના પુણેના ઘરેથી જપ્ત કરાયાં હતાં.

ક્રાઇમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ આસારામ ફાસલેની ધરપકડ કરતાં આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે પાંચ થઇ છે. અગાઉ આ કેસમાં સ્વપ્નીલ બંડુ સકટ, સમર્થ શિવશરણ પોમાજી, સિદ્ધાર્થ દીપક યેનપુરે અને આદિત્ય જ્ઞાનેશ્ર્વર ગાયકીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચેય આરોપીને ગુરુવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 11 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

આપણ વાચો: રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારમાં દેશી બનાવટની અત્યાધુનિક પિસ્તોલનો ઉપયોગ…

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓ સિગ્નલ ઍપ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને ગુના બાદ તેમણે પોતાના મોબાઇલમાંથી આ ઍપ ડિલિટ કરી દીધી હતી. ચારેય આરોપીની પૂછપરછમાં આસારામ ફાસલેનું નામ બહાર આવ્યું હતું. આથી આસારામની શોધ ચલાવીને પુણેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી સ્વપ્નીલ સકટના પુણેના વડગાંવના ઘરની તલાશી લેતાં એક પિસ્તોલ, ત્રણ મેગેઝિન અને ઍરગન મળી આવ્યાં હતાં. જેમાંથી પિસ્તોલ અને ત્રણ મેગેઝિન આસારામ ફાસલેએ મુખ્ય સૂત્રધાર શુભમ લોણકરના ઇશારે સ્વપ્નીલને પૂરાં પાડ્યાં હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું. આરોપીઓ લોણકરના સંપર્કમાં હતા અને તેણે કાવતરાને અંજામ સુધી પહોંચાડવા માટે નાણાં પૂરાં પાડ્યાં હોવાનું પણ સામે આવ્યું હતું. શૂટર હજી ફરાર છે અને તેની શોધ ચલાવાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીના જુહુમાં આવેલા શેટ્ટી ટાવર પર શનિવારે મધરાતે સ્કૂટર પર આવેલા શૂટરે પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. બિલ્ડિંગમાં આવેલા જિમના કાચને એક ગોળી લાગી હતી. પોલીસને ઘટનાસ્થળેથી પાંચ ખાલી કારતૂસ મળી આવી હતી, જે તપાસ માટે ફોરેન્સિક લૅબમાં મોકલી આપવામાં આવી હતી.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button