રોહિત શર્મા જે બ્લ્યુ કારમાં મુંબઈના રસ્તા પર ફરવા નીકળ્યો એની કિંમત જાણો છો?
મુંબઈ: ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમનો કૅપ્ટન રોહિત શર્મા પોતાની લમ્બોર્ગિની કારમાં મુંબઈના કેટલાક રસ્તાઓ પર ફરવા નીકળવાને કારણે ન્યૂઝમાં ચમકી ગયો છે. રોહિત તાજેતરમાં મુંબઈમાં એક પ્રૅક્ટિસ-સેશન બાદ પાછો આવી રહ્યો હતો ત્યારે તે બ્લ્યુ રંગની જે લમ્બોર્ગિની કારમાં જોવા મળ્યો હતો એની કિંમત તમારા હોશકોશ ઉડાડી શકે છે.
આ પણ વાંચો : Viral Video: લાઈવ મેચમાં Rohit Sharma-Ritika Sharma આ શું કરતાં જોવા મળ્યા?
રોહિતે લમ્બોર્ગિની ઉરુસ મૉડેલની કાર 2024ના વર્ષમાં જ ખરીદી છે. ભારતમાં આ કારની કિંમત અંદાજે 3.15 કરોડ રૂપિયા છે અને આ તેના કાર-કલેક્શનની સૌથી મોંઘી કાર છે.
આ લમ્બોર્ગિની કાર ખાસ હોવાનું એક કારણ એ પણ છે કે એનો નંબર 0264 છે. રોહિતે આ નંબર મેળવ્યો એ પાછળનું કારણ એ છે કે વન-ડે ક્રિકેટમાં હાઇએસ્ટ 264 રન તેના નામે છે એટલે તેણે એ આંકડાવાળી નંબર-પ્લેટ મેળવી છે.
રોહિતે 2014માં શ્રીલંકા સામેની વન-ડેમાં 264 રન બનાવ્યા હતા અને એ વર્લ્ડ રેકૉર્ડ 10 વર્ષમાં કોઈ તોડી નથી શક્યું. વન-ડેમાં સૌથી વધુ ડબલ સેન્ચુરી (264, 209, 208 અણનમ) પણ રોહિતના જ નામે છે.
રોહિત આ પહેલાં પણ કેટલીક વાર મુંબઈના કેટલાક માર્ગો પર લમ્બોર્ગિની કારમાં જોવા મળ્યો હતો.
રોહિતના કાર કલેક્શન પર એક નજર કરીએ: લમ્બોર્ગિની ઉરુસ: કિંમત 3.15 કરોડ રૂપિયા, બીએમડબ્લ્યૂ એમ-5 ફૉર્મ્યુલા-વન એડિશન સ્પોર્ટ્સ કાર: કિંમત 1.73 કરોડ રૂપિયા, મર્સિડીઝ જીએલએસ 400-ડી: કિંમત 1.20 કરોડ રૂપિયા, બીએમડબ્લ્યૂ એક્સ-3: કિંમત 62 લાખ રૂપિયા, ટોયોટા ફૉર્ચ્યૂનર: કિંમત 33 લાખ રૂપિયા અને સ્કોડા: કિંમત 12.50 લાખ રૂપિયા.