માલશેજ ઘાટમાં ભેખડ ધસી પડતાં સાત વર્ષના બાળક સહિત બેનાં મોત
થાણે: થાણે જિલ્લાના માલશેજ ઘાટમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં મોટો પથ્થર રિક્ષા પર પડતાં સાત વર્ષના બાળક સહિત બે જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે મહિલા જખમી થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના કલ્યાણ-અહમદનગર હાઈવે પર મંગળવારની સાંજે બની હતી. ભેખડ ધસી પડવાને કારણે હાઈવે પરના વાહનવ્યવહારને અસર થઈ હતી. હાઈવે પર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી, જેને કારણે વાહનમાં જનારા લોકો કલાકો સુધી રઝળી પડ્યા હતા.
આ પણ વાંચો: KUWAIT: એક ઈમારતમાં ભીષણ આગ, 5 ભારતીયો સહિત 41 લોકોના મોત
ટોકાવડે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દિનકર ચાકોરે જણાવ્યું હતું કે પરિવારના પાંચ સભ્ય રિક્ષામાં મુલુંડથી અહમદનગર જિલ્લાના સંગમનેર ખાતે જઈ રહ્યા હતા. ભેખડ ધસી પડવાને કારણે 15થી 20 કિલો વજનનો પથ્થર રિક્ષા પર પડ્યો હતો.
આ ઘટનામાં રાહુલ બબન ભાલેરાવ (30) અને તેના ભત્રીજા સ્વયમ સચિન ભાલેરાવ (7)નું મૃત્યુ થયું હતું. રિક્ષામાં પ્રવાસ કરનારી પંચાવન વર્ષની મહિલાને આ ઘટનામાં ગંભીર ઇજા થઈ હતી, એમ ઓતુર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર લહુ તાથેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: અરેરાટીઃ સુરતમા બે વર્ષનો બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જીવ ગુમાવનારા બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ પ્રકરણે ઓતુર પોલીસે એડીઆર નોંધ્યો હતો. જોકે ઘટના ટોકાવડે પોલીસની હદમાં બની હોવાથી કેસ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)