જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારા લોકોના ટોળાથી ડરીને ગોળીબાર કરી ભાગી છૂટ્યા…

મુંબઈ: જ્વેલર્સની દુકાનમાં લૂંટને ઇરાદે આવેલા લૂંટારા એકઠા થયેલા લોકોથી ડરીને હવામાં ગોળીબાર કરી નાસી ગયા હોવાની ઘટના પાલઘર જિલ્લાના કેળવા ખાતે બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની રાતે કેળવા રોડ પરની મમતા જ્વેલર્સ નજીક બની હતી. ફરાર લૂંટારાઓની શોધ ચલાવાઈ રહી છે.
સફાળે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારની રાતે આઠ વાગ્યાની આસપાસ અમુક લોકો જ્વેલર્સની દુકાનમાં આવ્યા હતા. તેમની હિલચાલ શંકાસ્પદ જણાતાં આસપાસની દુકાન અને સ્થાનિક રહેવાસીઓને શંકા ગઈ હતી.
કહેવાય છે કે ગણતરીની સેક્ધડોમાં ખાસ્સી સંખ્યામાં લોકો દુકાન બહાર ભેગા થઈ ગયા હતા. લોકોના ટોળાની નજર પોતાના પર હોવાનો અણસાર લૂંટારાને આવી ગયો હતો. પરિણામે લૂંટ ચલાવ્યા વિના જ ત્યાંથી પસાર થવાનું તેમને યોગ્ય લાગ્યું હતું.
આ પણ વાંચો :ભાંડુપમાંથી 50 કરોડનું મેફેડ્રોન જપ્ત: મહાડની લૅબોરેટેરીમાં બનતું હતું ડ્રગ્સ
ડરી ગયેલા લૂંટારાઓએ દુકાનમાંથી નીકળીને પિસ્તોલમાંથી હવામાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા અને નાસી ગયા હતા. સદ્નસીબે ગોળીબારમાં કોઈને ઇજા થઈ નહોતી. દરમિયાન બનાવની જાણ થતાં સફાળે પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપીઓની ઓળખ મેળવવા માટે પોલીસ દુકાન નજીક અને આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઈ)