રોડ રેજની ઘટના બાદ ક્લીનરનું અપહરણ: ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરના પિતાને આગોતરા જામીન મળ્યા

મુંબઈ: નવી મુંબઈમાં રોડ રેજની ઘટના બાદ ટ્રકના ક્લીનરનું અપહરણ કરવાના કેસમાં મુંબઈ હાઇ કોર્ટે ગુરુવારે ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
જસ્ટિસ એન.આર. બોરકરની ખંડપીઠે આગોતરા જામીન મંજૂર કરતી વખતે દિલીપ ખેડકરને છ સપ્તાહની અંદર ટ્રકના ક્લીનર પ્રહ્લાદ કુમારને ચાર લાખ રૂપિયા આપવા અને પોલીસ કલ્યાણ ભંડોળમાં એક લાખ રૂપિયા ડિપોઝિટ કરવાના નિર્દેશ આપ્યા હતા.
નવી મુંબઈની સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ ખેડકરે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. દિલીપ ખેડકરે અરજીમાં પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે પરસ્પર સમજૂતીથી નિર્ણય લેવાયો હતો કે જ્યાં સુધી તેની કારને થયેલા નુકસાનનો ગેરેજ અથવા મિકેનિક દ્વારા અંદાજ ન કાઢવામાં આવે ત્યાં સુધી ક્લીનર તેની સાથે રહેશે.
આ પણ વાંચો : વર્સોવાથી ‘અપહરણ’ કરાયેલો બિલ્ડર વસઈના વ્યસન મુક્તિ કેન્દ્રમાં મળ્યો!
ખેડકરે એવા દાવો પણ કર્યો હતો કે ક્લીનરને સાથે લઇ જવા માટે ટ્રક ડ્રાઇવરે પોતે કહ્યું હતું અને મોડું થતું હોવાથી તે ક્લીનરને બંગલો પર લઇ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર નવી મુંબઈમાં મુલુંડ-ઐરોલી રોડ પર 13 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી અને ત્યારથી ખેડકર ફરાર હતો.
એફઆઇઆર મુજબ મુલુંડ-ઐરોલી રોડ પર દિલીપ ખેડકરની લેન્ડ ક્રૂઝર કાર સાથે સિમેન્ટ-મિક્સર ટ્રક ઘસાતાં ખેડકર અને તેના ડ્રાઇવર-કમ-બોડીગાર્ડ પ્રફૂલ સાળુંખેએ કારને થયેલા નુકસાન માટે પૈસા માગ્યા હતા, જેને કારણે તેમનો ટ્રક ડ્રાઇવર ચંદ્રકુમાર ચવાણ અને ક્લીનર સાથે ઝઘડો થયો હતો.
આ પણ વાંચો : મુંબઈની હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલા બે વર્ષના બાળકનો થાણેમાં ટ્રેનમાંથી છુટકારો
દરમિયાન ખેડકર અને સાળુંખેએ ટ્રકના ક્લીનરને પોલીસ સ્ટેશનમાં લઇ જવાને બહાને કારમાં તેનું અપહરણ કર્યું હતું. ક્લીનર ફોન રિસિવ કરતો ન હોવાથી ટ્રક ડ્રાઇવરે તેની જાણ માલિકને કરી હતી, જેને પગલે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ક્લીનરને ખેડકરના પુણેમાં આવેલા બંગલોમાં લઇ જવાયો હતો અને બીજે દિવસે પોલીસે તેને ત્યાંથી છોડાવ્યો હતો. પોલીસે બાદમાં સાળુંખેની ધરપકડ કરી હતી અને તે હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે. (પીટીઆઇ)