Airportથી Bandra જવાનો માર્ગ મોકળોઃ નવા ફ્લાયઓવરનું કામ પૂર્ણ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડી)એ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (ટી2)થી અંધેરી અથવા બાંદ્રા સુધી પહોંચવામાં સરળતા રહે અને વેસ્ટર્ન એક્સપ્રેસવે પર ટ્રાફિકની ભીડને સરળ બનાવવા માટે ટી-વન જંક્શન પર નવા ફ્લાયઓવરનું કામ હાથ ધર્યું હતું.
આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને માર્ચના પ્રથમ સપ્તાહમાં ફ્લાયઓવર ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે. ૭૯૦ મીટરની લંબાઇ અને આઠ મીટરની પહોળાઇ ધરાવતા આ ફ્લાયઓવરના કામનો કોન્ટ્રાક્ટ મેસર્સ આર. પી. એસ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો.
નંદગીરી રેસ્ટ હાઉસથી શરૂ થઇને સાંઈબાબા મંદિર ભાજીવાડા પર સમાપ્ત થતા આ ફ્લાયઓવરનું કામ ૨૦૨૧ માં શરૂ થયું હતું. ૪૮.૪૩ કરોડના ખર્ચે હાથ ધરાયેલો ફ્લાયઓવર હવે પૂર્ણ થઈ ગયો છે.
બ્રિજનું બાંધકામ ૧૦૦ ટકા પૂર્ણ થયું છે અને હવે દિશા બોર્ડ લગાવવાની કામગીરી ચાલી રહી છે. કામ પૂર્ણ થતાં હવે આ ફ્લાયઓવરને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ માર્ચના પ્રથમ સપ્તાહમાં બ્રિજને વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવશે, એમ એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.