2021ના માર્ગ અકસ્માતના ચાર પીડિતોને 54 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ

થાણે: થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) જળગાંવ જિલ્લામાં 2021માં માર્ગ અકસ્માતના ચાર પીડિતોને લગભગ 54 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
કુલ 53.95 લાખ રૂપિયાના વળતરમાંથી ત્રણ ઘાયલોને 21 લાખ રૂપિયા, તો મૃત્યુ પામેલી એક વ્યક્તિના પરિવારના સભ્યોને 32 લાખ રૂપિયા ચૂકવવાનું જણાવાયું હતું.
અકસ્માત સાથે જોડાયેલી ચાર અલગ-અલગ અરજી પર ટ્રિબ્યુનલનાં સભ્ય આર.વી. મોહિતેએ 2 જાન્યુઆરીએ આદેશ આપ્યોે હતો.
આપણ વાચો: મોટરસાઇકલ-બસ વચ્ચેની ટક્કરમાં શખસનું મોત:36 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો એમએસઆરટીસીને આદેશ…
મુંબઈ-આગ્રા નેશનલ હાઇવે પર 19 મે, 2021ની મધરાતે અકસ્માત થયો હતો, જ્યારે એમયુવી (મલ્ટિ-યુટિલિટી વેહિકલ) અનેક પ્રવાસીઓને લઇ જળગાંવ જિલ્લાના અખાતવાડી તરફ જઇ રહ્યું હતું. ડ્રાઇવર પૂરપાટ વેગે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રહ્યો હતો.
તેણે વાહન પરથી અચાનક કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે વાહન રસ્તા પરથી ઊતરીને મોટા પથ્થર સાથે ભટકાયું હતું. આ અકસ્માતમાં રાજેન્દ્ર નામદેવ પવારનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ત્રણ પ્રવાસીને ગંભીર ઇજા થઇ હતી.
વીમા કંપનીએ દાવાઓનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે અકસ્માત એક અજાણી ટ્રક દ્વારા અચાનક બ્રેક લગાવવાથી થયો હતો અને એમયુવીનો ઉપયોગ પોલિસીની શરતોથી વિપરીત રીતે પ્રવાસીઓનું વહન કરવા માટે થતો હતો.
જોકે એમએસીટીએ એ દલીલને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે અકસ્માત ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો હતો. તેમણે એ પણ નોંધ્યું હતું કે પોલીસે ડ્રાઇવર રાજેન્દ્ર તુકારામ ગધારી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 279, 337, 338 અને 304 (એ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)



