આમચી મુંબઈ

નામ બડે ઔર દર્શન છોટેઃ મામૂલી રકમ ભરવા માટે તૈયાર નથી ધનાઢ્ય સોસાયટીઓ

‘બાંદ્રાની સોસાયટીઓ મામૂલી રકમે સરકારની જમીનનો લાભ લે છે’

મુંબઈ: અત્યંત પૉશ(ધનાઢ્ય) રિયલ એસ્ટેટ વિસ્તાર ગણાતા બાંદ્રા વિસ્તારમાં રેડી રેકનર રેટ પર લીઝ રેન્ટ વધારવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને બોમ્બે હાઇ કોર્ટે જાળવી રાખ્યો હતો. હાઇ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને યથાવત રાખતા ચુકાદો આપ્યો હતો અને સરકારનો નિર્ણય અયોગ્ય ન હોવાનું જણાવ્યું હતું.

જસ્ટિસ બી.પી.કોલાબાવાલા અને સોમશેખર સુંદરસેનની ડિવિઝન બેન્ચે સરકારનો નિર્ણય યથાવત રાખ્યો હતો, પરંતુ એક શરત પણ ઉમેરવાનું સૂચવ્યું હતું. લીઝ રેન્ટ સરકારના અધ્યાદેશ અનુસાર દર પાંચ વર્ષે બદલી ન શકાય અને લીઝના એગ્રીમેન્ટની મુદત પૂરી થાય ત્યાં સુધી તે યથાવત રાખવાનો રહેશે, એવો આદેશ કોર્ટે આપ્યો હતો.

આ પણ વાંચો: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટની ટ્વિન ટનલના કામનું વડાપ્રધાન મોદીના હસ્તે શનિવારે ભૂમિપૂજન

ઉલ્લેખનીય છે કે ગત બુધવારે બાંદ્રાની અમુક હાઉઝિંગસોસાયટી દ્વારા હાઇ કોર્ટમાં સરકારના 2006,2012 અને 2018ના અધ્યાદેશો રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સરકારના અધ્યાદેશોમાં હાઉઝિંગ સોસાયટીને લાંબી મુદતના લીઝ રેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેનો વિરોધ અરજી દ્વારા કરવામાં આવ્યો હતો.

હાઇ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે સોસાયટીઓ બાંદ્રા જેવા મુખ્ય વિસ્તારોમાં જમીનના મોટા ક્ષેત્રનો લાભ મેળવી રહી છે અને તે પણ મફતમાં. જો હાલ તે લીઝ પર સરકારે તેમને આપેલી જમીનો માટે જે રકમ ચૂકવી રહ્યા છે તે ધ્યાનમાં લઇએ તો તે સાવ મામૂલી હોવાનું જણાય છે, એવું નિરીક્ષણ હાઇ કોર્ટની બેન્ચે કર્યું હતું.

આ પણ વાંચો: થાણેમાં બનાવાશે World Calss zoo

સોસાયટીઓએ અરજીમાં તેમના લીઝ પર ઝીંકવામાં આવેલા 400થી 1900 ગણા વધારાને ગેરકાયદે ગણાવ્યો હતો.
જોકે, સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો જોતા હાઇ કોર્ટને જણાયું હતું કે સુધારેલ લીઝ રેન્ટ મુજબ સોસાયટીઓએ સરકારને મહિને 6,000 રૂપિયા અને અમુક સોસાયટીઓ તો ફક્ત 2,000 રૂપિયા જેટલી મામૂલી રકમ ભરવા માટે બંધનકારક છે.

આ રકમ બાંદ્રા જેવા પૉશ વિસ્તારને જોતા સાવ મામૂલી છે અને સોસાયટીઓ 1951માં નક્કી થયેલા કરાર મુજબ એ સમયે નક્કી કરવામાં આવેલી મામૂલી રકમ અત્યાર સુધી ભરતી આવતી હોવાની વાત પણ હાઇ કોર્ટે ધ્યાનમાં લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button