કેસ ક્લોઝ થતા રિયા ચક્રવર્તી પરિવાર સાથે મુંબઈના જાણીતા મંદિરે પહોંચી!

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં તાજેતરમાં કોર્ટમાંથી રાહત મળ્યા બાદ જાણીતી અભિનેત્રી રિયા ચક્રવર્તી પ્રથમ વખત જોવા મળી હતી. આજે તે તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી અને ભાઈ શૌવિક સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. રિયા સાદા કોટન કુર્તા-સુટમાં, નો-મેકઅપ લુકમાં જોવા મળી હતી પરંતુ ખુશી તેના મોઢા પર સ્પષ્ટ જોવા મળી હતી.

રિયા છેલ્લા પાંચ વર્ષથી સુશાંતના મૃત્યુ કેસમાં ફસાયેલી હતી. બોલીવુડ અભિનેતા 14 જૂન, 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તાજેતરમાં જ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને આ કેસ બંધ કરી દીધો છે. ક્લીન ચિટ આપતા રિયા સહિત પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
તેના ક્લોઝર રિપોર્ટમાં એજન્સીએ મૃત્યુ અંગેની તમામ અફવાઓ અને કાવતરાની થિયરીઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ આત્મહત્યા જ છે. રિયા પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. હવે તેને ઈન્ડસ્ટ્રીમાંથી પણ સપોર્ટ મળી રહ્યો છે.
આ પણ વાંચો : સુશાંત સિંહ મૃત્યુ કેસ: દિશા સાલિયાનના મોતનો કેસ ખૂલ્યો જ્યારે રિયા ચક્રવર્તીને મળી ક્લિન ચીટઃ જાણો વિગતવાર
રિયાના ભાઈ શૌવિકે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા સીબીઆઈના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે રિયા સાથે પહાડી વિસ્તારમાં ફરતો દેખાય છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું, ‘સત્યમેવ જયતે.’ સુશાંતના મૃત્યુ પછી પ્રકાશમાં આવેલા કથિત ડ્રગ કેસમાં બંને ભાઈ-બહેનની ધરપકડ કરવામાં આવી હતી.
રિયાના વકીલ સતીશ માનશિંદેએ એક નિવેદનમાં કહ્યું, ‘સીબીઆઈએ લગભગ 4 વર્ષ પછી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સંબંધમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. અમે સીબીઆઈના આભારી છીએ કે તેમણે કેસના દરેક પાસાઓની તમામ એંગલથી તપાસ કરી અને કેસ બંધ કર્યો. સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ફેલાયેલા ખોટા સમાચારો સંપૂર્ણપણે ગેરવાજબી હતા. હું આશા રાખું છું કે કોઈ પણ સંજોગોમાં આનું પુનરાવર્તન નહીં થાય.’