સિંધુદુર્ગમાં દારૂ પીધા પછી સગાએ કરી નિવૃત્ત પોલીસ અધિકારીની હત્યા
આરોપી જ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી હત્યાની જાણ કરી
મુંબઈ: દારૂ પીધા બાદ જમતી વખતે થયેલા વિવાદમાં સગાએ જ ધારદાર હથિયાર વડે હુમલો કરી ભૂતપૂર્વ આસિસ્ટન્ટ પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની કથિત હત્યા કરી હોવાની ઘટના સિંધુદુર્ગ જિલ્લામાં બની હતી. વહેલી સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આરોપીએ હત્યાની જાણ કરી પોતે આચરેલા ગુનાની કબૂલાત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કણકવલી પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે પ્રકાશમાં આવી હતી. આરોપી સિદ્ધિવિનાયક પેડણેકરે (24) સિંધુદુર્ગ પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર કૉલ કરી તેણે સગાની હત્યા કરી હોવાની જાણ કરી હતી.
માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને આસિસ્ટન્ટ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર વિનોદ આચરેકર (55) લોહીના ખાબોચિયામાં પડેલો મળ્યો હતો. આચરેકરને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં યુવકે કિન્નરની કરી હત્યા, બંને રહેતા હતા સાથે
અધિકારીએ જણાવ્યું હતું કે આચરેકર મુંબઈ પોલીસમાં આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલાં જ તેણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. છેલ્લાં બે વર્ષથી તે કણકવલી તાલુકાના કોલશીવરચી વાડી ખાતેના વતનમાં રહેતો હતો.
બુધવારની સાંજે આચરેકરે જમવા માટે પેડણેકરને પોતાના ઘરે બોલાવ્યો હતો. ઘરમાં દારૂ પીધા પછી બન્ને જણ જમવા બેઠા હતા. જમતી વખતે તેમની વચ્ચે અમુક મુદ્દે વિવાદ થયો હતો. ઉગ્ર બોલાચાલી પછી રોષમાં આવી પેડણેકરે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઇજા સાથે આચરેકર જમીન પર ફસડાઈ પડ્યો હતો.
ઘટના બાદ આરોપી પેડણેકરે પોલીસને ફોન કરી ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી પેડણેકરની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)