મુંબઈ પોલીસ આઘાતમાં: ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનરે ભર્યું આ પગલું
મુંબઈ: મુંબઈ પોલીસના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનર (એસીપી)એ ગઈકાલે રાતે કોઈ કારણસર આપઘાત કરી લીધો હતો. મૃતકની ઓળખ પ્રદીપ ટેમકર નામે કરી છે. તેમણે બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. માટુંગા પોલીસે ઘટનાસ્થળેથી પ્રદીપ ટેમકરનો મૃતદેહ કબજે કર્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર પ્રદીપ ટેમકર 2014માં મુંબઈના ટ્રાફિક પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પ્રદીપ ટેમકર તેની પત્ની અને બે બાળકો સાથે માટુંગા પૂર્વ વિસ્તારમાં ગંગા હેરિટેજ નામની બિલ્ડિંગમાં રહેતા હતા. ટેમકર સોમવારે મોડી રાત્રે ઘરે એકલો હતા તે જ સમયે તેમણે તેની બિલ્ડીંગના 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.
જો કે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેમકર છેલ્લા કેટલાક મહિનાઓથી માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. આ મુદ્દે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.