બારામતી ચૂંટણીમાં પરાજય માટે કોણ જવાબદાર? અજિત પવારે કોના પર દોષારોપણ કર્યું
મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ટૂંક સમયમાં વાગશે. જોકે, લોકસભાની ચૂંટણીના પરિણામોથી રાજકીય વાતવરણમાં ગરમાટો આવ્યો હોઉં એવું લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં બારામતી બેઠક પર થયેલા પરાજય અંગે અજિત પવારે સોમવારે નિવેદન આપ્યું હતું.
લોકસભા ચૂંટણીમાં બારામતી લોકસભા બેઠક પર નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)નો પરાજય થયો હતો. અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર આ મત વિસ્તારમાં એનસીપીના ઉમેદવાર હતા. સુપ્રિયા સુળે એનસીપી શરદચંદ્ર પવાર પક્ષનાં ઉમેદવાર હતાં. બંને વચ્ચેની લડતમાં સુપ્રિયા સુળેએ ચૂંટણી જીતી લીધી હતી. અજીત પવારની એનસીપીનો પરાજય થયો હતો.
આ પણ વાંચો ; ઉદ્ધવ ઠાકરે ત્રણ દિવસની દિલ્હી મુલાકાતે: ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળશે
બારામતી બેઠક માટે મહાયુતિ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હોવા છતાં વિજય સુપ્રિયા સુળેનો થયો અને અને સુનેત્રા પવાર હારી ગયા હતા. આ પરાજય અજિત પવારના જૂથને જીરવવો ભારે પડ્યો.
પરાજયના કારણ બાબતે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આ બધી અટકળોનો અંત લાવવા માટે અજીત પવારે પોતાના ભાષણમાં બારામતીના પરાજયનું કારણ કોણ? મુદ્દે બોલતાં કાર્યકરોને અગત્યની અપીલ કરી હતી.
અજિત પવારે નિખાલસપણે કહ્યું કે બારામતીના પરાજય માટે પોતે જવાબદાર છે. તેમનું કહેવું હતું કે ‘અહીં હાજર ઘણા લોકોએ લોકસભામાં શું કર્યું છે હું સારી પેઠે જાણું છું. પણ અત્યારે મને મળવા આવેલા લોકોને મારે કોઈ સવાલ નથી કરવા. અરે મારા ભાઈ, પરાજય માટે હું જવાબદાર છું. એમાં બીજા કોઈનો દોષ નથી એમ શાંતિપૂર્વક બધાને જણાવતો હોઉં છું. અલબત્ત કોણ શું બોલ્યું અને કોને શું કર્યું એ બધું હું જાણું છે, પણ ઠીક છે’.