ઘાટકોપરવાસીઓને મળશે પાંચમા માળે સ્વિમિંગ પૂલ શૂટિંગ રેંજ સહિત અત્યાધુનિક કોમ્પ્લેક્સ પણ ઊભા કરાશે
મુંબઈ: છેલ્લાં અનેક વર્ષથી રખડેલા ઘાટકોપર ખાતેના સ્વિમિંગ પૂલનું કામ આખરે પાટે ચડવાનું છે. આ પૂલનું પુનર્બાંધકામ કરાયા બાદ તેને ઓલિમ્પિક દરજ્જાનું બનાવવામાં આવશે. આ ઉપરાંત પૂલ વિસ્તારમાં શૂટિંગ રેંજ સહિત અત્યાધુનિક કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવશે. આ માટે પાલિકા રૂ. ૮૪.૩૧ કરોડનો ખર્ચ કરવાની છે. મહત્ત્વની વાત તો એ છે કે પાંચ માળના આ કોમ્પ્લેક્સમાં સૌથી ઉપરના એટલે કે પાંચમા માળે સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે.
ઘાટકોપર પૂર્વના ઓડિયન મોલ વિસ્તારમાં ૧૯૭૧માં આ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો હતો. ઘાટકોપરવાસીઓ તેમ જ વિક્રોલી અને વિદ્યાવિહારના નાગરિકો પણ આ પૂલનો લાભ લેતા હતા. પૂલ ખૂબ જ જૂનોે થઇ ગયો હોવાને કારણે ગળતર થવા લાગ્યું હતું. ગળતરને બંધ કરવા માટે પાલિકાએ એકથી દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો, પણ ગળતર બંધ થયું નહોતું.
કાયમી સ્વરૂપની ઉપાયયોજના કરવા માટે ૨૦૧૯માં પૂલને બંધ કરી દેવામાં આવ્યો હતો. એ સમયથી સ્થાનિક વિસ્તારમાં નાગરિકો સ્વિમિંગ પૂલથી વંચિત રહી ગયા હતા. જોકે હવે આ સ્વિમિંગ પૂલનું પુનર્બાંધકામ હાથ ધરીને તેને આધુનિક દરજ્જાનો બનાવવામાં આવશે.
શું છે વિશેષતા?
અગાઉનો સ્વિમિંગ પૂલ પચીસ મીટરનો હતો જે હવે બમણો એટલે કે ૫૦ મીટરનો બનાવવામાં આવશે. નવો પૂલ ઓલિમ્પિક દરજ્જાનો હશે, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. અહીં સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે. શૂટિંગની તાલીમ આપવા માટે શૂટિંગ રેંજ હશે, બોક્સિગં, બેડમિંટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ચેસ અને સ્કવોશ વગેરે રમતો રમવા મળશે.