આજથી રેસિડેન્શિયલ ડૉક્ટરોની હડતાળ
મુંબઈ: હોસ્ટેલની બહેતર સગવડ, ભથ્થાની સમયસર ચુકવણી જેવી માગણીઓ રાજ્યના તબીબી વિભાગ દ્વારા મંજૂર નહીં કરવામાં આવતા નિવાસી તબીબોએ સાતમી ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ (માર્ડ) તરફથી આ રજૂઆત કરવામાં આવી હતી. ‘માર્ડ’ના પ્રમુખ અભિજીત હેલગેએ જણાવ્યું હતું કે ‘અમે રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન, તબીબી શિક્ષણ આયુક્ત તેમજ નાણાં વિભાગના સંયુક્ત સચિવ અને ફાઇનાન્સ તેમજ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓને મંગળવારે મંત્રાલયમાં મળ્યા હતા. અમારી માગણીઓ અમે પ્રધાનશ્રી સમક્ષ રજૂ કરી તેમને બધી વાતથી વાકેફ કર્યા હતા. અમારી સમસ્યાઓનો ઉકેલ આવી જશે એવી હૈયાધારણ તેમણે આપી હતી. જોકે, છેલ્લા એક વર્ષથી નિવાસી તબીબોને વારંવાર મૌખિક ખાતરી જ આપવામાં આવી રહી છે એ સ્પષ્ટ કરી સમસ્યાનો કોઈ નિવેડો નથી આવી રહ્યો એ અમે જણાવ્યું હતું.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનેકવાર મળતી બેઠકમાં કોઈ નિષ્કર્ષ ન આવી રહ્યો હોવાથી નિવાસી ડૉક્ટરોએ સમગ્ર મહારાષ્ટ્રમાં સાત ફેબ્રુઆરી સાંજે પાંચ વાગ્યાથી બેમુદત હડતાળ પર ઉતરવાનો નિર્ણય સર્વાનુમત્તે લીધો છે. જોકે, હડતાળ દરમિયાન બધી તાકીદની સેવા – ઇમર્જન્સી સર્વિસ ચાલુ રહેશે.