અંધેરી વેરાવલી પાઈપલાઈનનું સમારકામ મોડી રાત સુધી ચાલુ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વમાં વેરાવલી-૩ સર્વિસ રિઝવિયરને પાણીપુરવઠો કરનારી મેઈનલાઈનનું સમારકામ રવિવારે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. તેથી સોમવારથી પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીપુરવઠો પૂર્વવત થવાની શક્યતા પાલિકા પ્રશાસને વ્યક્ત કરી હતી.
અંધેરી પૂર્વમાં વેરાવલી-૩ સર્વિસ રિઝવિયરને પાણીપુરવઠો કરનારી મેઈનલાઈનનું સમારકામ અત્યંત ઝીણવટભર્યું અને ટેક્નિકલ દ્દષ્ટિએ અત્યંત પડકારજનક હોવાથી રવિવાર સાંજ સુધી પણ સમારકામ થઈ શક્યું નહોતું. પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ રવિવાર મોડી રાત સુધી સમારકામ ચાલી રહ્યું હતું.
મુંબઈ મેટ્રો પ્રોેજેક્ટનું ડ્રિલિંગ કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન અંધેરી (પૂર્વ)માં સીપ્ઝ ગેટ નંબર ત્રણ અને ઈંડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે ૧,૮૦૦ મિલિમીટર વ્યાસની મેઈન પાઈપલાઈન પર ગુરુવાર, ૩૦ નવેમ્બર, ૨૦૨૩ના ગળતર ચાલુ થયું હતું. પાલિકાએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. શનિવાર બે ડિસેમ્બરના સવારના સાડા આઠ વાગ્યાથી રવિવાર સવારના સાડા આઠ વાગ્યા સુધી આ કામ ચાલશે એવું પાલિકાએ અગાઉ જાહેર કર્યું હતું. જોકે ટેક્નિકલ અડચણોને કારણે રવિવારે સાંજ સુધી પણ કામ પૂરું થઈ શક્યું નહોતું.
પાણીપુરવઠા ખાતાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પ્રોજેક્ટ સ્થળ પર આવતી અડચણોને કારણે સમારકામ ધીમી ગતિએ કરવું પડયું હતું. નાદુરસ્ત પાઈપલાઈન ખૂબ ઊંડાઈ પર હોવાથી તેમા એક કરતા વધુ જગ્યાએ નુકસાન થયું છે. પાઈપલાઈનમાં પાણીના દબાણને કારણે પૂર્ણ પાઈપલાઈનને ખાલી કરવા માટે મોટા પ્રમાણમાં પાણીનો નિકાલ કરવો પડ્યો હતો. પાઈપલાઈન પાસે રહેલી માટીને કારણે પણ કામમાં મુશ્કેલી ઊભી થઈ હતી. તેથી રવિવાર સવારના નક્કી કરેલી મુદતમાં કામ પૂરું થઈ શક્યું નહોતું અને રવિવાર મોડી રાત સુધી કામ ચાલુ રહ્યું હતું.