યારી રોડથી એસવીપી પુલના આડે રહેલી અડચણ દૂર
પોણો કલાકનું અંતર પાંચ મિનિટમાં પૂરું થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ બે દાયકાની લાંબી પ્રતીક્ષા બાદ યારી રોડ-એસવીપી પુલનું કામ હવે પાટે ચઢવાનું છે. આ પુલના કામને આડે રહેલી કાયદાકીય અડચણથી લઈને અનેક વિધ્ન દૂર થતા તાજેતરમાં જ પુલના કામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યારી રોડ-એસવીપી પુલને કારણે પોણો કલાકનું અંતર માત્ર પાંચ મિનિટમાં પાર કરી શકાશે.
અંધેરી (પશ્ચિમ)ના નાગરિકોને ખાસ કરીને લોખંડવાલા અને યારીરોડના રહેવાસીઓ માટે યારી રોડ-એસવીપી પુલ રાહતભર્યો બની રહેવાનો છે. પુલના કામમાં અનેક અડચણો આવી હતી. સ્થાનિક નાગરિકો દ્વારા પુલના સમર્થનમાં કાયદાકીય લડત પણ લડવામાં આવી હતી. છેવટે તમામ વિધ્ન દૂર થતા હવે પુલનું કામ ચાલુ થવાનું છે.
યારી રોડથી એસવીપી નગર પુલ મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. 110 મીટરના પુલ માટે લગભગ 20 વર્ષ લાંબી રાહ જોવી પડી છે. પુલનું કામ સતત અટવાઈ જવાને કારણે સ્થાનિક નાગરિકોએ સતત ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કર્યો છે. આઠ માર્ચના પુલના કામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બહુ જલદી હવે તેનું કામ ચાલુ કરીને ગોખલે પુલની માફક જ કામ ઝડપથી પૂરું કરીને તેને ખુલ્લો મૂકવામાં આવે એવી અપેક્ષા સ્થાનિક નાગરિકો રાખી રહ્યા છે.
નોંધનીય છે કે આ પુલ માટે સૌ પ્રથમ 2002માં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બાદમાં છેક 2014માં પુલના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. એ સમયે પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 16 કરોડ રૂપિયાની આસપાસ માંડવામાં આવ્યો હતો. કૉન્ટે્રક્ટર પણ નીમવામાં આવ્યો હતો. જોકે કાયદાકીય અડચણોને કારણે કામ આગળ વધ્યું નહોતું.
કાયદાકીય અડચણોને કારણે બાદમાં કૉન્ટે્રક્ટરેે પણ કામ કરવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં 2019માં અમુક સ્થાનિકોએ આ પુલને કારણે મેનગ્રોવ્ઝને નુકસાન થશે એવી જાહેરહિતની અરજી બોમ્બે હાઈ કોર્ટમાં કરી હતી અને પાલિકા તથા એમએમઆરડીએને પ્રોજેક્ટ પર પુન:વિચાર કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. જોકે પાલિકાએ પ્રોજેક્ટને પર્યાવરણ અનુરૂપ ગણાવ્યો હતો અને આ પુલને કારણે સમય અને ઈંધણની બચત થશે એવી રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયો હતો. જોકે તમામ કાયદાકીય અડચણો હવે દૂર થતા પુલનું કામ હવે આગળ વધવાનું છે.