ઘર ખરીદનારાઓ માટે રાહત પાંચ વર્ષ પછી કરાર રદ થાય તો પણ સ્ટેમ્પ ડયૂટીના પૈસા પરત મળશે
સામાન્ય રીતે બિલ્ડર પાસેથી મકાન ખરીદનાર ગ્રાહક જો પોતાનો કરાર પાંચ વર્ષની અવધિમાં રદ કરે તો જ સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવામાં આવે છે, પાંચ વર્ષ પછી કોન્ટ્રાક્ટ કેન્સલ થાય તો સ્ટેમ્પ ડ્યૂટીનું રિફંડ મળતું નથી. આવો નિયમ હોવા છતાં, કોન્ટ્રાક્ટ રદ કરવામાં કેમ વિલંબ થયો તે વિચારવું જોઈએ. મહેસૂલ વિભાગ પાસે કોઈ વિશેષ સત્તાઓ ન હોવા છતાં, કોર્ટ પાસે વિશેષ સત્તા છે. મહેસૂલ વિભાગના આ વિશેષ અધિકારોના ઉપયોગથી સ્ટેમ્પ ડ્યૂટી રિફંડ ન કરવાના આદેશો રદ કરવામાં આવી રહ્યા છે, તેમ સ્પષ્ટતા કરીને એન. આર. જમાદારની સિંગલ બેન્ચે પુણે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને બોરીવલીમાં સ્ટેમ્પ કલેક્ટરને ઝાટકણી પણ કાઢી છે. આ આદેશને કારણે પુણેના ૬૦ વર્ષીય વરિષ્ઠ નાગરિકને રાહત મળી છે.
કેસની વિગત મુજબ, સતીશ શેટ્ટીએ પૂણેથી એડ. ઋષિ ભટ દ્વારા અરજી દાખલ કરી હતી. તેણે એક પ્રોજેક્ટમાં ઘર
બુક કરાવ્યું અને બિલ્ડર સાથે મકાન ખરીદીનો કરાર કર્યો. ચાર લાખ ૭૬ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી અને ૩૦ હજાર રૂપિયા નોંધણી ફી ચૂકવવામાં આવી છે. પણ અપાયેલ વચન પ્રમાણે સમયસર મકાન ન મળવાને કારણે તેણે બિલ્ડરને મકાન માટે ચૂકવેલ એડવાન્સ પરત કરવા જણાવ્યું હતું. બિલ્ડરે ના પડતાં, મામલો રેરામાં ગયો. ત્યારબાદ બિલ્ડર પૈસા ચૂકવવા તૈયાર થયો હતો, જેને પાંચ વર્ષ લાગ્યાં.
જો પાંચ વર્ષની અંદર ઘર ખરીદીનો કરાર રદ કરવામાં આવે તો જ સ્ટેમ્પ ડ્યૂટી રિફંડ કરવામાં આવે છે. રેવન્યુ એક્ટમાં આવી જોગવાઈ કરવામાં આવી છે. તેના આધારે જ શેટ્ટીને સ્ટેમ્પ ડ્યૂટીના નાણાંનો ઇનકાર કરવામાં આવ્યો છે, એમ સરકારી વકીલ સાગર કંકલે દલીલ કરી હતી. પણ કોર્ટે ઉપસ્થિત સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનું સંબંધિત સત્તાવાળાઓને જણાવ્યું હતું.
જીવનભરની કમાણીમાંથી અરજદાર ઘર ખરીદવા જઈ રહ્યા હતા, પરંતુ તેમના જીવનના સંધ્યાકાળમાં પણ શેટ્ટીનું સ્વપ્ન પૂરું થઈ શક્યું નહીં. તેઓએ ઘર માટે ચૂકવેલી રકમ પરત મેળવવા માટે લડત આપવી પડી. આમાં, તેઓ કરાર રદ કરવામાં વિલંબ માટે જવાબદાર નથી, એવું કોર્ટે અવલોકન કર્યું હતું.