રાહત!! અંધેરી, સીપ્ઝમાં પણ દોડશે એસી ઈ-ડબલડેકર બસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ ઉપનગરમાં પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટે (બેસ્ટ) બાંદ્રા, કુર્લા બાદ હવે અંધેરી, સીપ્ઝમાં પણ એસી ઈલેક્ટ્રિક બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.
બેસ્ટ ઉપક્રમે મુંબઈગરાની સુવિધા માટે ૨૮ નવેમ્બર, ૨૦૨૩થી મુંબઈના ઉપનગરમાં મુખ્યત્વે કુર્લા, બી. કે. સી.માં ૧૦ એરકંડિશન્ડ ઈલેક્ટ્રિક ડબલડેકર બસ દોડાવવાનો નિર્ણય લીધો હતો, જે અંતર્ગત ૩૧૦ આ બેસ્ટ રૂટ પર બાંદ્રા બસ ટર્મિનસથી કુર્લા સ્ટેશન (પશ્ર્ચિમ) હાલ ૧૦ એસી ડબલડેકર બસ દોડી રહી છે. તેના ભાગરૂપે બેસ્ટ ઉપક્રમે વધુ ૧૦ એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસ ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩થી ૩૩૨ નંબરના રૂટ પર કુર્લા બસ ડેપોથી અંધેરી (પૂર્વ) અને ૪૧૫ બસ નંબરની આગરકર ચોક (અંધેરી-પૂર્વ)થી સીપ્ઝ ટર્મિનસ વચ્ચે દોડાવવાનો નિર્ણય લીધો છે.
મુંબઈના નાગરિકોનો બસનો પ્રવાસ વધુ આરામદાયક બનાવવા માટે બેસ્ટ ઉપક્રમે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૩થી પર્યાવરણને અનુરૂપ એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસનો બેસ્ટના કાફલામાં સમાવેશ કર્યો છે. હાલ બેસ્ટ ઉપક્રમ મારફત ૪૫ એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસ દક્ષિણ મુંબઈમાં અને ઉપનગરમાં દોડાવવામાં આવી રહી છે. આ બસથી કોઈ પણ પ્રકારનું ધ્વની અથવા વાયુ પ્રદૂષણ થતું નથી. પ્રવાસીઓની સગવડ માટે બસમાં મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા, બે ઓટોમેટિક પ્રવેશદ્વાર બસમાં બેસાડવામાં આવ્યા છે.