શેરબજાર: બોનસ શેરની જાહેરાતે રિલાયન્સના શેરમાં ઉછાળો
નિલેશ વાઘેલા
મુંબઇ: બોનસ શેરની જાહેરાતે રિલાયન્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો અને તેને કારણે બેન્ચમાર્કને પણ ટેકો મળ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૩૪૯ પોઇન્ટના સુધારા સાથે ૮૨,૧૩૫ પોઇન્ટની અને નિફ્ટી ૨૫,૧૫૦ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે.
બેન્ચમાર્કને ઇન્ડેક્સ હેવીવેઇટ શેરની આગેકૂચને કારણે ઘણો ટેકો મળ્યો હતો. રિલાયન્સે ૧:૧ના રેશિયોમાં બોનસ ઇશ્યૂ લાવવાનો ઇરાદો જાહેર કર્યા બાદ બપોરના સત્રમાં તેનો શેર ૨.૬૩ ટકાના ઉછાળા સાથે રૂ. ૩૦૭૪.૮૦ની સપાટીએ પહોંચ્યો હતો. જોકે, થોડા પ્રોફિટ બુકિંગ બાદ સત્રને અંતે તે રૂ. ૩૦૪૦.૮૫ની સપાટીએ સ્થિર થયો હતો.
શેરબજારમાં બપોરના સત્રમાં જ્યારે ઉપરોક્ત જાહેરાત બાદ ઉછાળો આવ્યો હતો ત્યારે તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૪૨,૩૯૯.૨૪ કરોડના ઉછાળા સાથે રૂ. ૨૦,૬૦,૪૬૧.૪૨ કરોડની સપાટીએ પહોંચ્યું હતું. એ નોંધવું રહ્યું કે, મૂલ્યની દષ્ટિએ આ દેશની સૌથી મોટી કંપનીએ અગાઉ સપ્ટેમ્બર, ૨૦૧૭માં બોનસ શેર જારી કર્યા હતા.
આ પણ વાંચો : Stock Market : શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેક્સમાં 37. 00 પોઇન્ટનો ઘટાડો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કંપનીએ સ્ટોક એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે, તે ૧:૧ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ કરવા અંગે વિચારણા કરશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક મીટિંગ ગુરુવાર, ૫ાંચમી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાવાની છે અને શેરધારકોની મંજૂરી અર્થે ૧:૧ ના ગુણોત્તરમાં બોનસ શેર ઇશ્યૂ કરવાની ભલામણ રજૂ કરશે.
કંપનીએ ૨૦૧૭માં પણ ૧:૧ના ગુણોત્તરમાં બોનસ શેર ફાળવ્યા હતા અને તે અગાુ ૨૦૦૯ના વર્ષમાં પણ ૧:૧ના રેશિયોમાં બોનસ શેર જારી કર્યા હતા. દરમિયાન, રિલાયન્સની ૪૭મી એજીએમને સંબોધતા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ભારત હવે વિશ્ર્વનું સૌથી મોટું ડેટા માર્કેટ છે અને ૪૯ કરોડ ગ્રાહકો ધરાવતી જીઓ વિશ્ર્વની સૌથી મોટી મોબાઇલ ડેટા કંપની બની છે