મહારાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગિક જમીન અંબાણીએ હસ્તગત કરી…

મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 2025માં પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર તેમની પાસે રિયલ-ટાઇમ નેટવર્થ 96 બિલિયન યુએસ ડોલર છે. તેમની રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 16.80 લાખ કરોડ છે. તેમણે તેમના વેપારનું વિસ્તરણ કરવાનું ચાલુ જ રાખ્યું છે. હવે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ મહારાષ્ટ્રમાં સૌથી મોટી ઔદ્યોગિક જમીન ખરીદી છે. આ જમીન 5,286 એકરમાં ફેલાયેલી છે. આ જમીન માત્ર રૂ. 2,200 કરોડના મૂલ્યમાં વેચવામાં આવી છે. આ ઔદ્યોગિક જમીન નવી મુંબઈ એરપોર્ટ, JNPT અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટની નજીકના મોકાના સ્થાન પર છે.
આ પણ વાંચો : જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂરા થવા મુદ્દે નીતા અંબાણીએ કહ્યું ‘જામનગર’ રિલાયન્સનો આત્મા…
આ ડીલમાં આનંદ જૈનની જય કોર્પ લિમિટેડ પણ સામેલ છે. આનંદ જૈને સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે તેમની કંપની અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ ((UIHPL)ની પેટા કંપની દ્રોણાગિરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (DIPL)એ NMIIA માં તેમનો 74 ટકા હિસ્સો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વેચ્યો છે, જેનું મૂલ્ય રૂ. 2,200 કરોડ છે.
મુકેશ અંબાણીની કંપની RIL એ 13 ડિસેમ્બર, 2024 ના રોજ એક્સચેન્જોને આ ખરીદીની જાણ કરી હતી. RILએ તેની એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે NMIIAના 74 ટકા શેરના અધિગ્રહણ બાદ NMIIA RILની પેટાકંપની બની ગઈ છે.
નોંધનીય છે કે NMIIA ની સ્થાપના 15 જૂન 2004ના રોજ થઈ હતી અને આ કંપની મહારાષ્ટ્રમાં ઈન્ટિગ્રેટેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયા (IIA) વિકસાવવા માટે કામ કરી રહી છે.
આ પણ વાંચો : જાણો.. Ketan Parekh એ શેરબજારમાં કરેલું ફ્રન્ટ રનિંગ સ્કેમ, કેવી રીતે થતું હતું ઓપરેટ…
અહીં એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ જમીનની વાસ્તવિક કિંમત અંગે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ મોકાની જમીનની આસપાસ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક અને નવી મુંબઈ એરપોર્ટ જેવા મોટા પ્રોજેક્ટ છે. તેથી લોકોનું માનવું છે કે આ લેન્ડપાર્સલની કિંમત આના કરતા ઘણી વધારે હોવી જોઈએ.